MBBSમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાહત, આ પરીક્ષા હવે અંતિમ વર્ષમાં લેવાશે
સુરત સહિત દેશભરની મેડિકલ કોલેજોમાં એમબીબીએસનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મેડિકલ કમિશને પરીક્ષા, પરિણામ સંદર્ભે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ, હવે એમબીબીએસના વિદ્યાર્થીઓની ઓપ્થેમોલોજી વિષયની પરીક્ષા અંતિમ વર્ષ એટલે કે ચોથા વર્ષ પાર્ટ-2માં લેવાશે. આ સિવાય સપ્લીમેન્ટરી અને નિયમિત પરીક્ષા વચ્ચે એક માસનું અંતર નિર્ધારીત કરવાની સાથે જ ત્યાર બાદ 15 દિવસમાં પરિણામ જાહેર કરવાની તાકીદ કરી છે.
કોલેજોએ 15 દિવસના બે બ્લોક તૈયાર કરવાના રહેશે
નેશનલ મેડિકલ કમિશને એમબીબીએસ અભ્યાસક્રમોના 2022-23ના બેચ માટે પરીક્ષા, પરિણામ અને સમયગાળા મુદ્દે વિશેષ સ્પષ્ટતા, નવી માર્ગદર્શિકા સાથે પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્રમાં જણાવ્યા મુજબ, પ્રિ-પેરાક્લીનીક અને ક્લીનીકલ બ્રાન્ચ માટે કોલેજોએ 15 દિવસના બે બ્લોક તૈયાર કરવાના રહેશે. સપ્લીમેન્ટરી અને નિયમિત પરીક્ષા વચ્ચે એક મહિનાનો સમયગાળો રાખવાની સાથે જ 15 દિવસમાં પરિણામ જાહેર કરવાનું રહેશે.
કોઇ પણ સપ્લીમેન્ટરી બેચ રાખવાના રહેશે નહીં
કોલેજોમાં કોઇ પણ સપ્લીમેન્ટરી બેચ રાખવાના રહેશે નહીં. યોગા અને ફેમિલી એડોપ્શન પ્રોગ્રામ 2021-22ના બેચની માફક કાર્યરત રહેશે. વધુમાં, પ્રથમ વર્ષમાં એનેટોમી, ફિઝીયોલોજી, બાયોકેમેસ્ટ્રી, બીજા વર્ષમાં પેથોલોજી, માઇક્રોબાયોલોજી, ફાર્મેકોલોજી, ત્રીજા વર્ષમાં એટલે કે થર્ડ યર પાર્ટ-1માં ફોરેન્સિક મેડિસીન, ટોક્સીકોલોજી એન્ડ કોમ્યુનિટી મેડીસીન-પીએસએમ થર્ડ યર પાર્ટ-2માં જનરલ સર્જરી, જનરલ મેડિસીન, પિડીયાટ્રીક્સ, ઇએનટી, ઓપ્થેમોલોજી, ગાયનેકોલોજી વિષયની પરીક્ષા લેવાની રહેશે.