ઉત્તર ગુજરાતગુજરાત

ગુજરાત- રાજસ્થાન બોર્ડર પરથી બે કારમાંથી કરોડોની કેશ મળી આવતા ચકચાર

Text To Speech

પાલનપુર : રાજસ્થાનની સિરોહી પોલીસે નાકાબંધી દરમિયાન બે કારમાંથી રૂપિયા ત્રણ કરોડથી વધુ રોકડ રકમ જપ્ત કરી છે. જેમાં બંને વાહનમાં સવાર ચાર વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે.

નોટોની ગણતરી બાદ રકમનો આંકડો વધી શકે છે

ગુજરાત -રાજસ્થાન બોર્ડર ઉપર આવેલ માવલ ચેકપોસ્ટ પાસે આબુરોડના રિકો પોલીસ સ્ટેશનના અધિકારીઓએ બુધવારે મોટી કાર્યવાહી કરી હતી. જેમાં બે કારમાંથી રૂપિયા ત્રણ કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. હાલમાં નોટોની ગણતરી ચાલી રહી છે. ત્યારબાદ જપ્ત કરાયેલી કુલ રકમ કેટલી હતી તે જાણવા મળી શકશે. અત્યારે રૂપિયા ત્રણ કરોડ ઉપરાંતની રકમ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

 

રાજસ્થાન-humdekhengenews

વાહનમાં સવાર ચાર લોકોની અટકાયત કરવામાં આવી

રાજસ્થાનના સિરોહી જિલ્લાના એસ.પી. મમતા ગુપ્તાના માર્ગદર્શન હેઠળ ગુજરાતને અડીને આવેલ આબુરોડના રીકો પોલીસ સ્ટેશનના અધિકારી હરચંદ દેવાસીની આગેવાની હેઠળ રાજસ્થાન -ગુજરાત બોર્ડર પર આવેલ માવલ ચેકપોસ્ટ પર નાકાબંધી કરવામાં આવી હતી. દરમિયાન બે કાર રોકાવીને તેમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં કારની સીટ નીચે કાગળના બંડલોમાં પેક કરેલી નોટો મળી આવી હતી. જેના પગલે પોલીસે તુરંત જ બન્ને કાર સાથે ચાર વ્યક્તિઓની અટકાયત કરી હતી.

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટ નોટબંધી કેસની સમીક્ષા કરશે, કેન્દ્ર સરકાર અને RBI પાસેથી માગ્યું એફિડેવિટ

જ્યારે ઘટના સ્થળે ચલણી નોટો ગણવા માટે મશીનો મંગાવવા પડ્યા હતા. હાલમાં તેની ગણતરી ચાલી રહી છે. આટળી મોટી રકમ મળતા જ સી.ઓ. યોગેશ શર્મા, હરચંદ દેવાસી સહિત પોલીસ અધિકારીઓ માવલ ચેકપોસ્ટ પહોંચ્યા હતા. જ્યારે ચલણી નોટો સાથે પકડાયેલા ચારેય વ્યક્તિઓની પૂછપરછમાં તેમણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો.

પરંતુ એવું જાણવા મળ્યું છે કે, આ નાણાં હવાલાના હોઈ શકે છે. જ્યારે આટલી મોટી રકમ મળી આવતા જોધપુરથી ઇન્કમટેક્ષ વિભાગના અધિકારીઓને પણ માવલ ખાતે બોલાવવામાં આવ્યા છે. જ્યારે તપાસ બાદ તેમાં મોટા ખુલાસા થવાની પણ સંભાવના છે કે, આ નાણાં ક્યાંથી આવ્યા હતા અને કોને મોકલવામાં આવી રહ્યા હતા.

Back to top button