ભાજપના કાર્યકર્તાઓની કામગીરી પર કેન્દ્રીય મંત્રીએ વ્યક્ત કર્યો રોષ,આપ આપણાથી સ્ટ્રોંગ કેમ ?, વિડીયો વાયરલ
વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પક્ષો પોતાની વ્યૂહ રચના બનાવી રહ્યા છે. આ વચ્ચે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે હાલમાં સોશિયલ મીડિયામાં જંગ જામી છે. તેની વચ્ચે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ કાર્યકર્તાઓની કામગીરી માટે અકળાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેઓ કાર્યકર્તાઓને કહી રહ્યા છે કે, આપની સોશિયલ મીડિયા ટીમ કેમ આટલી સ્ટ્રોંગ છે ?
આ પણ વાંચો : ચૂંટણીની સમીક્ષા કરવા ECના અધિકારીઓ ગુજરાત આવશે, દિવાળી બાદ ચૂંટણીની તારીખ જાહેર થાય તેવી શક્યતા
હાલના સમયમાં ચૂંટણી માટે તમામ પક્ષો સોશિયલ મીડિયા પર સૌથી વધુ સક્રિય રહે છે. આ વચ્ચે હાલમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનો વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ ભાજપના કાર્યકરોને કહ્યું કે આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમ જુઓ. વરાછામાં આપણા કરતા આપનું સોશિયલ મીડિયા સ્ટ્રોંગ કેમ જોવા મળી રહ્યું છે. જેમાં તેમણે ભાજપ કરતા આમ આદમી પાર્ટીની ટીમ સોશિયલ મીડિયામાં ચઢિયાતી હોવાનું સ્વીકારતા ભાજપના દિગ્ગજનો વિડીયો અત્યારે જોરદાર વાઈરલ થઈ રહ્યો છે.
શું કહે છે મનસુખ માંડવિયા ?
ભાજપ માટે દ.ગુજરાતમાં રહેલા સૌરાષ્ટ્રવાસીઓને પોતાના તરફ કરવા માટે સુરતમાં સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતાઓની ટીમ ઉતારી છે. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પુરષોત્તમ રૂપાલા સહિતના ઘણાં નેતાઓનો સમાવેશ થાય છે. મનસુખ માંડવીયા સુરતની વરાછા, કામરેજ, કરંજ સહિતની વિધાનસભા બેઠક પર વાત કરતા ચિંતિત જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી અત્યારે અહીં ઘણી મજબૂત જોવા મળી રહી છે. ખાસ કરીને સોશિયલ મીડિયાની વાત કરીએ તો આપણી પાસે પણ યુવાનો છે. તો એમની ટીમ કેમ વધારે સારી અને મજબૂત રીતે કામ કરી રહી છે.
વરાછાની બેઠકની સ્થિતિ
વિધાનસભા બેઠકની દ્રષ્ટિએ જોવામાં આવે તો વરાછા થી કામરેજ સુધીનો વિસ્તાર પાટીદારનો ગઢ ગણાય છે. જેમાં કોર્પોરેશનની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીને અહીં વધુ ફાયદો થયો હતો અને 27 જેટલી સીટ પર જીત મેળવી હતી. હાલમાં પણ ત્યાં આપ ભાજપને ટક્કર આપે તેવી સ્થિતિમાં છે. જેને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ગંભીરતાથી લેવા માટે ભાજપના કાર્યકર્તાઓને અપીલ કરી હતી.
આ પણ વાંચો : વિઠ્ઠલભાઈના પત્નીએ પીએમને કહ્યું, ‘જયેશ તમારી જવાબદારી’, જાણો પછી શું થયું ?