ગુજરાતમાં એસીબીએ લાંચીયા અધિકારીઓ પર તવાઇ મચાવાનું શરૂ કર્યું છે. જેમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામના ડેપ્યુટી સરપંચ અને હંગામી ક્લાર્કને એસીબીની ટીમે લાંચ લેતા ઝડપી પાડ્યા છે. આ બન્ને દ્વારા ફરિયાદી પાસેથી કુલ રૂપિયા 15 લાખ લાંચ માંગવામાં આવી હતી. પ્રથમ હપ્તો સ્વિકારવા જતા જ બન્ને આરોપીઓ એસીબીના હાથે ઝડપાયા છે.
જાણો શું સમગ્ર ઘટના:
સોળસુંબા ગામ ખાતે રહેતા ફરિયાદીની વડીલો પાર્જીત NA થયેલી જમીન આવેલી છે. જેમાં ફરિયાદીએ આ જમીન પર પોતાના રહેણાંક માટે મકાન બનાવવા ઉપરાંત કોમર્શિયલ બાંધકામ કરવાનું હોવાથી તેમણે ગ્રામ પંચાયતમાં રજા ચિઠ્ઠીની માંગણી કરી હતી. રજા ચીઠ્ઠી આપવા માટે સોળસુંબા ગામના ડેપ્યુટી સરપંચ અમીત મણીલાલ પટેલ અને હંગામી ક્લાર્ક કૃષાંગ હિતેશ ચંદારાણાએ રૂપિયા પંદર લાખ લાંચ માંગી હતી. જો કે, ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે સુરત એસીબીમાં આ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી જેથી એસીબીના પી.આઇ. શ્રીમતી એ.કે. ચૌહાણ સહિતના સ્ટાફે સોળસુંબા ગામ ગ્રામ પંચાયત ભવન સામે છટકું ગોઠવ્યું હતું.
હંગામી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કૃષાંગ ચંદારાણાએ ફરિયાદી પાસેથી લાંચની રકમ પેટે રૂપિયા ત્રણ લાખ સ્વિકારી અને આરોપી ડેપ્યુટી સરપંચ સાથે વાતચીત કરી પેમેન્ટ મળ્યું હોવાનું કન્ફર્મ કર્યું હતું. આ વાતચીત થયા બાદ તુરંત જ એસીબીની ટીમ ત્રાટકી હતી અને લાંચની રકમ સ્વિકારનાર કૃષાંગ ચંદારાણા તેમજ ડેપ્યુટી સરપંચ અમીત મણીલાલ પટેલને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ બન્નેની અટકાયત કરીને તેમની સઘન પુછપરછ હાથ ધરવામાં આવી છે.