ચૂંટણી પહેલા હાર્દિક પટેલ વેતરાઇ ગયો, ભાજપની ગૌરવ યાત્રામાંથી નામ ગાયબ
ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. જેમાં ગુજરાતમાં વિવિધ રાજકીય પક્ષો સક્રિય થયા છે. તેમાં રાજકીય પક્ષો આ વખતે રાજકીય રેલ, જનસભાઓ સાથે યાત્રાઓ પણ કરી રહી છે. તેવામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તા.12થી 20 ઓક્ટોબર વચ્ચે બેચરાજીથી માતાના મઢ સુધીની એક ગૌરવ યાત્રા શરુ થવા જઈ રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પોતે આ યાત્રાને ફ્લેગ ઓફ કરાવવા આવી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભાનો ચૂંટણી જંગ જયારે ડિસેમ્બરમાં હોય એ પહેલા જ પાર્ટીમાં જે આંતર કલહ છે તે સપાટી ઉપર આવી રહ્યો છે.
હાર્દિક પટેલનો મુદ્દો જગજાહેર થયો
ભારતીય જનતા પાર્ટીની ગૌરવ યાત્રા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ગુજરાત આવી રહ્યા છે. જેમાં હાર્દિક પટેલનો મુદ્દો જગજાહેર થયો છે. પાટીદાર આંદોલન સમિતિના યુવા નેતા અને કોંગ્રેસમાંથી થોડા મહિના પહેલા જ ભાજપમાં જોડાયેલા હાર્દિક પટેલની આ યાત્રામાં હાજર નેતાઓની યાદીમાં કદ પ્રમાણે વેંતરી નખવામાં આવ્યા છે. હાર્દિક પટેલ જયારે ભાજપમાં ગયા ત્યારે તેમને મોટી જવાબદારી મળશે, પટેલ આગેવાન તરીકે તેમના ઉપર પ્રચાર અને રાજ્યમાં સૌથી વગદાર કોમ્યુનીટીની વોટ બેંક ઉપર પ્રભાવ પાડવા માટે ઉપયોગ થશે એવી ચર્ચાઓ ચાલી રહી હતી પણ એવું કાઈ સપાટી ઉપર જોવા મળ્યું નથી. હાર્દિક પટેલ પક્ષમાં ભળ્યા ત્યારે જે ગતીથી તેના નામની ચર્ચા થતી હતી હવે રાજ્યમાં ચૂંટણીની જાહેરાત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના પ્રવાસ અને મુલાકાત દરમિયાન કે પ્રદેશ સંગઠનના વિવિધ કાર્યક્રમમાં પણ તેઓ પહેલી હરોળમાં જોવા મળતા નથી.
ચૂંટણીની ટીકીટ આપવામાં પણ આવશે નહીં
આજે ભાજપ પ્રદેશ કાર્યાલય દ્વારા એક યાદી બહાર પાડી હતી. આ યાદીમાં બેચરાજીથી મેહસાણાના રૂટમાં જે નેતાઓ હાજર રહેશે એમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને હાર્દિક પટેલના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ યાદીમાં આ સિવાય પ્રથમ દિવસે વિવિધ સ્થળોએ હાજર વિવિધ નેતાઓ અને આગેવાનોના નામ પણ બહાર પાડવામાં આવ્યા હતા. જોકે, પ્રદેશ ભાજપે આ ગૌરવ યાત્રા માટે ફરી બીજી યાદી બહાર પાડી છે જેમાંથી હાર્દિક પટેલનું નામ બાકાત કરી નાખવામાં આવ્યું છે. જેમાં હાર્દિકનું પત્તુ કપાતા લોકોમાં ચર્ચાએ વેગ પક્ડયો છે કે આગામી સમયમાં તેને ચૂંટણીની ટીકીટ આપવામાં પણ આવશે નહીં.