ઉત્તર પ્રદેશ : આ કેસમાં ભાજપના ધારાસભ્ય દોષિત જાહેર, તુરંત જ જામીન પણ મળી ગયા
ઉત્તર પ્રદેશમાં થયેલા દંગામાં ભાજપના ધારાસભ્ય દોષિત જાહેર થયા છે. તેમને સજા સંભળાવવામાં આવી છે. પણ, તુરંત જ તેને જામીન પણ મળી ગયા છે. વર્ષ 2013 માં મુઝફ્ફરનગર – કાવલ કેસમાં કોર્ટે બીજેપી ધારાસભ્ય વિક્રમ સૈનીને દોષિત ઠેરવ્યા છે. આ કેસમાં ધારાસભ્ય સહિત 12 આરોપીઓને બે-બે વર્ષની સજા કરવામાં આવી છે. જો કે સજા ત્રણ વર્ષથી ઓછી હોવાના કારણે તેને તરત જ જામીન પણ મળી ગયા હતા. તમને જણાવી દઈએ કે જો ત્રણ વર્ષથી ઓછી સજા થાય તો કોર્ટમાંથી જામીન મેળવવાની જોગવાઈ છે. આ અંતર્ગત ભાજપના ધારાસભ્ય વિક્રમ સૈનીને રાહત મળી છે.
શું છે સમગ્ર મામલો ?
મળતી માહિતી મુજબ વર્ષ 2013માં મુઝફ્ફરનગરમાં રમખાણ થયા હતા જેને કવલ ઘટના તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રમખાણોમાં 60થી વધુ લોકો માર્યા ગયા હતા. 27 ઓગસ્ટ, 2013ના રોજ ગૌરવ અને સચિન નામના લોકોની હત્યા કરવામાં આવી હતી, જેના પછી તોફાનો ફાટી નીકળ્યા હતા. આ કેસમાં અધિક જિલ્લા અને સત્ર ન્યાયાધીશ હિમાંશુ ભટનાગરે તે સમયે રમખાણો માટે મુઝમ્મિલ મુઝ્ઝામ, ફુરકાન, નદીમ, જાંગીર, અફઝલ અને ઈકબાલને દોષિત ઠેરવ્યા હતા. મૃતક ગૌરવના પિતા રવિન્દ્ર કુમારે 7 લોકોને દોષિત ઠેરવ્યા બાદ કહ્યું હતું કે અમને કોર્ટમાં વિશ્વાસ હતો અને એ પણ ખબર હતી કે તેમાં ઘણા વર્ષો લાગશે. હવે જોઈએ આગળ શું થાય છે. ફક્ત આપણે જ જાણીએ છીએ કે આપણે તેને કાયમ માટે ગુમાવ્યો છે. સાથે જ ગૌરવની માતાએ આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી હતી. સત્તાવાર આંકડાઓ અનુસાર, 2013ના રમખાણો પછી 6,000 થી વધુ કેસ નોંધાયા હતા અને રમખાણોમાં તેમની કથિત ભૂમિકા માટે 1480 શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. કેસની તપાસ કરી રહેલી વિશેષ તપાસ ટીમે 175 કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી.