ટોપ ન્યૂઝસ્પોર્ટસ

ભારતે 2-1 થી જીતી વનડે શ્રેણી : 12 વર્ષ બાદ ઘરઆંગણે આફ્રિકાને આપી માત

Text To Speech

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી વનડે શ્રેણીમાં ભારતે 2-1 થી સિરીઝ જીતી લીધી છે. આ મેચમાં ભારતીય બોલરોએ સાઉથ આફ્રિકાની ટીમની કમર તોડી દીધી હતી. ભારતીય બોલરોએ આફ્રિકા ટીમને  100 રનનો આંકડો પણ પાર ન કરવાં દેતા માત્ર 99 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. તેનાં જવાબમાં ભારતીય ટીમે માત્ર 19.1 ઓવરમાં જ 3 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસિલ કરી દીધો હતો. જેમાં શુભમન ગિલે સૌથી વધુ 49 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાએ તોડ્યો 23 વર્ષ જૂનો રેકોર્ડ : 99 રનમાં સાઉથ આફ્રિકાને કરી ઓલઆઉટ

12 વર્ષ બાદ ભારતે ઘરઆંગણે આફ્રિકા સામે જીતી શ્રેણી

ટીમ ઈન્ડિયાએ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની 3 મેચની વનડે શ્રેણી 2-1થી જીતી લીધી છે. યજમાન ટીમ ઈન્ડિયાએ હવે 12 વર્ષના લાંબા ગાળા બાદ પોતાના હોમ ગ્રાઉન્ડ પર મુલાકાતી દક્ષિણ આફ્રિકા સામે શ્રેણી જીતી લીધી છે. વર્ષ 2010થી ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે તેની ધરતી પર એક પણ વનડે શ્રેણી જીતી શકી નથી. છેલ્લે 21 ફેબ્રુઆરી, 2010ના રોજ આફ્રિકા સામે ઘરઆંગણે ત્રણ મેચોની શ્રેણી 2-1થી જીતી હતી. જ્યારે વર્ષ 2015 માં પણ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ભારતને 5 મેચની વનડે શ્રેણીમાં 3-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. જેથી ભારતીય ટીમ આજે શિખર ધવનના નેતૃત્વમાં ત્રીજી વનડે જીત્યાં પછી 12 વર્ષનાં લાંબા સમયગાળા બાદ પોતાના ઘરઆંગણે સિરીઝ જીતી છે.

ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે મેળવી જીત

ટીમ ઈન્ડિયાએ ત્રીજી વનડેમાં 7 વિકેટે જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા આફ્રિકાની આખી ટીમ 27.1 ઓવરમાં 99 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત સામે દક્ષિણ આફ્રિકાનો આ સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા 1999માં ભારતે આફ્રિકન ટીમને 117 રનમાં આઉટ કરી દીધી હતી. ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. તે જ સમયે, શાહબાઝ અહેમદ, મોહમ્મદ સિરાજ અને વોશિંગ્ટન સુંદરને 2-2 વિકેટ મળી હતી.

ભારતીય ટીમે માત્ર 19.1 ઓવરમાં જ 3 વિકેટ ગુમાવીને સરળતાથી જીત મેળવી લીધી હતી. ભારત તરફથી અનુક્રમે બેટિંગ કરતાં શિખર ધવન માત્ર 8 રનમાં, ઈશાન કિશન 10 રનમાં અને શુભમન ગિલ 49 રનમાં આઉટ થયાં હતાં. જ્યારે શ્રેયસ ઐયર 28 રનમાં અને સંજુ સેમસંગ 2 રન બનાવી અણનમ રહ્યાં હતાં.

Back to top button