બનાસકાંઠા : મલાણા તળાવમાં પાણી ભરો, નહીં તો પુન: જળ આંદોલનના એંધાણ
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મલાણા ગામમાં આવેલા તળાવમાં પાઇપલાઇનથી પાણી ભરવાના મુદ્દે અગાઉ જળ આંદોલન થયું હતું. પરંતુ આ અંગે કાર્યવાહીમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ ન થતા ખેડૂતો મંગળવારના રોજ પારપડા ખાતે એકઠા થયા હતા અને પુનઃ જળ આંદોલનના મંડાણ કરવા ચર્ચા- વિચારણા કરી હતી. જો પાણીના મુદ્દે વિધાનસભાની ચૂંટણી પહેલા કોઈ જ કાર્યવાહી નહીં થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.
ખેડૂતોએ આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી
પાલનપુર પંથકના આજુબાજુના 50 ગામડાઓ ના 500 જેટલા ખેડૂતો મંગળવારે પારપડા ગામ ખાતે એકઠા થયા હતા. જેમને મલાણા ગામના તળાવમાં પાણી નાખવાના મુદ્દે ચર્ચા કરી હતી. અગાઉ આ મુદ્દાને લઈને જળ આંદોલન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ અંગે સરકારના હકારાત્મક અભિગમ દાખવતા આંદોલન સમેટાયું હતું.જોકે મલાણા તળાવને પાઇપલાઇનથી પાણી ભરવાના મુદ્દે કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી. ત્યારે આ ગામના આગેવાનોએ જણાવ્યું હતું કે, વિધાનસભા ચૂંટણી પહેલા વહીવટી મંજૂરી અપેક્ષા ખેડૂતો દ્વારા રાખવામાં આવી છે. મલાણા તળાવમાં પાણી નાખવાની કામગીરીનો સર્વે પણ પૂરો થઈ ગયો છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા તેની વહીવટી મંજૂરી પણ મળી જાય તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે. જો કે ખેડૂતોએ એમ પણ જણાવ્યું હતું કે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનું પણ ખેડૂતોએ મન બનાવ્યું છે. જેને લઈને ખેડૂતોનું એક પ્રતિનિધિ મંડળ જિલ્લા કલેકટર આનંદ પટેલને પાલનપુર ખાતે મળ્યું હતું. અને મલાણા ગામના તળાવમાં પાણી ભરવાની પ્રક્રિયા ઝડપથી હાથ ધરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી હતી.
આ પણ વાંચો : કચ્છ: હરામી નાળા પાસેથી ફરી ઝડપાઇ બે પાકિસ્તાની બોટ !
પાલનપુર પંથકમાં ભૂગર્ભમાં પથ્થરો
બનાસકાંઠાના પાલનપુર સહિત જિલ્લામાં મોટાભાગે ખેડૂતો ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર છે. પરંતુ પાલનપુર વિસ્તારના આજુબાજુના ગામડાઓમાં કેટલાક ફૂટ ઊંડે જતા પથ્થરો આવી જતા અહીંયા પૂરતું પાણી મળતું નથી. જેના અભાવે ખેડુતોને પાણીની સમસ્યાનો પારાવાર સામનો કરવો પડે છે.