છેલ્લા આ એક મહિનામાં પાકિસ્તાનની ઘૂષણખોરીના સમાચાર સાંભળવા મળી રહ્યા છે. ત્યારે આજે ફરી એકવાર કચ્છમાં હરામીનાળા પાસેથી બે પાકિસ્તાની બોટ પકડી પડાઈ છે. તેમજ બન્ને પાકિસ્તાની ઘૂષણખોરોને પણ BSFના જવાનોએ સકંજામાં લઈ લીધા છે.
BSFના જવાનોનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. 5 દિવસ પહેલા પણ પાકિસ્તાની મરીન્સ દ્વારા ગુજરાતની દરિયાઈ સીમમાં માછીમારો પર ફાયરીંગ કરવામાં આવ્યું હતું. તેમજ ઘૂષણખોરીનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ઝડપાયેલ ઘૂષખોરો માછીમાર હોવાનો ખુલાસો
કચ્છ જિલ્લામાં ફરી એકવાર પાકિસ્તાની બોટ ઝડપાઇ ગઇ છે. હરામીનાળા બોર્ડર પરથી બે પાકિસ્તાની બોટ ઝડપાઇ છે. BSFના પેટ્રોલિંગ દરમ્યાન બે બોટ ઝડપી પાડવામાં આવી હતી. બે પાકિસ્તાની ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતા હોવાનું પ્રાથમિક ધોરણે જણાયુ હતુ. જો કે બાદમાં ઝડપાયેલા પાકિસ્તાનીઓ માછીમાર હોવાનો ખુલાસો થયો છે. જો કે આ ઘટના બાદ BSF દ્વારા પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યુ છે.
માછીમારોને મરાયો હતો માર
6 ઓક્ટોબરના રોજ જખૌથી 45 નોટિકલ માઈલ દૂર IMBL નજીક માંગરોળની ફિશિંગ બોટ પર પાકિસ્તાન મરિન્સ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. પાકિસ્તાની નેવીના PAMS બરકાતી 1060 શીપ દ્વારા હરસિદ્ધિ નામની બોટ પર ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ અને બોટને ડુબાડી દીધી હતી. જો કે માછીમારોનો આબાદ બચાવ થયો હતો. માછીમારોની પુછપરછમાં સામે આવ્યુ છે કે, બોટ ડુબ્યા બાદ માછીમારોને ગોંધી રાખીને પાકિસ્તાનના 20-25 જવાનોએ માર માર્યો હતો. જેથી વણાંકબારા, દીવના અમરસી માવજી બામણિયાએ પોરબંદરના નવી બંદર પોલીસ સ્ટેશનમાં પાક નેવીના 20થી 25 જવાનો સામે હત્યાની કોશિશ અને માર મારવા બોટ પર ફાયરિંગ કરવાની ફરિયાદ નોંધાવી છે.