મહાકાલેશ્વરને ઉજ્જૈનના રાજા કેમ કહેવાય છે, કઈ રીતે થાય છે ભસ્મ આરતી; જાણો મહાકાલેશ્વર વિશે રસપ્રદ માહિતી
ઉજ્જૈનઃ 12 જ્યોતિર્લિંગોમાંથી એક ઉજ્જૈનમાં સ્થિત મહાકાલેશ્વર આવે છે. કહેવાય છે કે દક્ષિણામુખી ભગવાન શ્રીમહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થઈને સૃષ્ટિનો સંચાર કરે છે. પાંચ હજાર વર્ષથી પણ જૂનું ઉજ્જૈન અવંતી, અવંતિકા, ઉજ્જયિની, વિશાલા, નંદિની, અમરાવતી, પદ્માવતી, પ્રતિકલ્પા, કુશસ્થલી જેવા નામોથી પણ ઓળખાય છે.
ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી એક મહાકાલેશ્વરની ભસ્મ આરતી પણ ઘણી જ લોકપ્રિય છે. ભસ્મ આરતી જોવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે. દર સોમવારે ભસ્મ આરતી સમયે મંદિરના કપાટ ભક્તોના દર્શન માટે ખોલી દેવામાં આવે છે. તીર્થ નગરી ઉજ્જૈનમાં વિરાજમાન મહાકાલને રાજા પણ કહેવાય છે. ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનો ઉલ્લેખ શિવ પુરાણ સહિત અનેક ગ્રંથોમાં જોવા મળે છે.
મહાકાલેશ્વર છે સ્વયંભૂ
શિવપુરાણની એક કથા અનુસાર દૂષણ નામના એક દૈત્યના અત્યાચારથી ઉજ્જયિનીની વસતિ ખૂબ જ ત્રાસી ગઈ હતી. ત્યારે તે લોકોએ ભગવાન શિવની પ્રાર્થના કરી હતી અને મહાદેવ જ્યોતિના સ્વરુપે પ્રગટ થયા હતા અને રાક્ષસનો સંહાર કર્યો હતો. ત્યારબાદ ઉજ્જયિનીમાં વસેલા પોતાના ભક્તોના આગ્રહથી લિંગ સ્વરુપે તેઓ ત્યાં પ્રતિષ્ઠિત થયા હતા.
જાણો કઈ રીતે થાય છે મહાકાલની ભસ્મ આરતી
સૌથી પહેલા ભગવાન શિવલિંગને ઠંડા જળથી સ્નાન કરાવવામાં આવે છે. જે બાદ પંચામૃતથી અભિષેક કરાય છે. સ્નાન બાદ મહાકાલને ફુલ, ભસ્મ અને માળાથી ઘણો જ સુંદર શ્રૃંગાર કરાવવામાં આવે છે. જે બાદ મહાકાલને રુદ્રાક્ષથી બનેલી માળા અર્પિત કરવામાં આવે છે. મહાકાલનો આ શ્રૃંગાર ઘણો જ મનમોહક હોય છે. ધાર્મિક માન્યતા મુજબ ભસ્મ આરતી બાદ બાબા મહાકાલ નિરાકારથી સાકર અવતારમાં ભક્તોને દર્શન આપે છે. મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતીનું કામ નિર્વાણી અખાડાના લોકો કરે છે.
કાળના સ્વામી એટલે મહાકાલ
શ્રી મહાકાલેશ્વર પૃથ્વી લોકના રાજા છે. દરેક જ્યોતિર્લિંગોમાંથી એકમાત્ર એવુ જ્યોતિર્લિંગ છે જેની પ્રતિષ્ઠા સમગ્ર પૃથ્વીના રાજા અને મૃત્યુના દેવતા મૃત્યુંજય મહાકાલના સ્વરુપે કરવામાં આવી છે. આ ઉપરાંત 12 જ્યોતિર્લિંગમાંથી આ એક એવું જ્યોતિર્લિંગ છે જેમનું મુખ દક્ષિણ દિશામાં છે. દક્ષિણ દિશાનો સ્વામી યમરાજ છે તેથી આ જ્યોતિર્લિંગનું આગવું મહત્વ છે. યમરાજ એટલે કે કાલનો સ્વામી તેથી આ શિવસ્વરુપને મહાકાલના નામથી પણ ઓળખવામાં આવે છે.
માનવામાં આવે છે કે કાળ ગણનામાં શંકુ યંત્ર મહત્વપૂર્ણ છે. એવું કહેવાય છે કે પૃથ્વીના કેન્દ્ર ઉજ્જૈનમાં આ જ શંકુ યંત્ર પર મહાકાલેશ્વર લિંગ સ્થિત છે. અહીંથી જ સમગ્ર પૃથ્વીની કાળ ગણના કરવામાં આવે છે.
કેટલું જૂનું છે શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ
પુરાણો અનુસાર, શ્રીમહાકાલ સૌથી પ્રાચીન મંદિરોમાંથી એક માનવામાં આવે છે. શિવપુરાણ અનુસાર, શ્રી કૃષ્ણના પાલક નંદથી આઠ પેઢી પહેલા મહાકાલ અહીં સ્થાપિત થયા હતા. આ જ્યોતિર્લિંગ વિશે અલગ-અલગ શાસ્ત્રોમાં લખાયું છે.
મહાકાલ ભક્તોને અલગ-અલગ સ્વરૂપે દર્શન આપે છે
ઉજ્જૈનમાં બિરાજમાન મહાકાલ એક જ છે, પરંતુ તેઓ પોતાના ભક્તોને અલગ-અલગ સ્વરૂપમાં દર્શન આપે છે. દર વર્ષે અને તહેવાર પ્રમાણે તેમનો શ્રૃગાંર કરવામાં આવે છે. શિવરાત્રિ પર તેઓ વરરાજા બને છે તો શ્રાવણ મહિનામાં રાજા બની જાય છે. દિવાળીમાં જ્યાં મહાકાલના પ્રાંગણને દીવાઓથી શણગારવામાં આવે છે, તો હોળીમાં ગુલાલથી રંગવામાં આવે છે. મહાકાલના દરેક સ્વરૂપને જોઈને વ્યક્તિ મોહિત થઈ જાય છે.