PM મોદીએ ભરૂચમાં રૂ. 8000 કરોડથી વધુના વિકાસ કાર્યની આપી ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચ જિલ્લાના આમોદ ખાતેથી રાજ્યના પ્રથમ બલ્ક ડ્રગ પાર્કના શિલાન્યાસ સહિત રૂ. 8200 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમૂર્હત સંપન્ન કર્યા હતા. વડાપ્રધાને જંબુસરમાં અંદાજે રૂ. 2506 કરોડના ખર્ચે નિર્માણ થનાર રાજ્યના સર્વ પ્રથમ સુવિધાયુક્ત બલ્ક ડ્રગપાર્કનું ખાતમુહૂર્ત કરવા સાથે દહેજમાં રૂ.568 કરોડના ખર્ચે નિર્માણ થનાર ડીપ-સી પાઇપલાઇન પ્રોજેક્ટ,રૂ. 30 કરોડના ખર્ચે અંકલેશ્વર અને પાનોલીમાં નિર્માણ થનાર મલ્ટીલેવલ ઔધોગિક શેડ તથા રૂ.100 કરોડના ખર્ચે અંકલેશ્વર એરપોર્ટ ફેઝ – ૧ કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરીને ગુજરાતને વિકાસની વધુ એક ભેટ આપી છે.
રૂ.4105 કરોડના વિવિધ વિસ્તરણ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા
ગુજરાત સરકારના જાહેર સાહસ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સના રૂ.4105 કરોડના વિવિધ વિસ્તરણ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. GACLના આ વિવિધ પ્લાન્ટ થકી દેશના અમૂલ્ય વિદેશી હૂંડિયામણની બચત થવા સાથે રાષ્ટ્રને “આત્મનિર્ભર ભારત” ની દિશા તરફ આગળ વધવામાં મદદ કરશે. આ સાથે નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ (નાલ્કો) સાથેના સંયુક્ત સાહસ જીએસીએલ-નાલ્કો આલ્કલીઝ એન્ડ કેમિકલ્સપ્રાઈવેટ લિમિટેડ (જીએનએએલ) પણ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.
જાણે વડાપ્રધાને સંબોધન પ્રસંગે શું કહ્યું:
– ગુજરાત અને ભારતના વિકાસમાં ભરૂચની મહત્વની ભૂમિકા છે
– નરેન્દ્ર-ભૂપેન્દ્રની ડબલ એન્જીન સરકારના પરિણામે રાજ્યમાં વિકાસ કામો મોટા પાયે અને તીવ્ર ગતિએ પૂરા થાય છે
– નીતિ અને નિયત બેયના આધારે વિકાસના સપના સાકાર કરતું સુદ્રઢ વાતાવરણ બન્યું છે
– આદિજાતિઓએ વિકાસ યાત્રામાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે
– ભારતનું અર્થતંત્ર 2014માં વિશ્વમાં 10મા ક્રમેથી આજે પાંચમા સ્થાને આવી ગયું
– કોરોના સામેના જંગમાં ગુજરાતે દેશને મોટી મદદ કરી-દેશના ફાર્મા એક્સપોર્ટનો 25 ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે
– ભરૂચ-અંકલેશ્વરનો વિકાસ ટવીન સિટી મોડેલ આધારે થઇ રહ્યો છે
મુખ્યમંત્રીએ સંબોધનમાં કહી આ વાત:
– પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિમાં ફાર્માસ્યુટીકલ ક્ષેત્રે આત્મનિર્ભર ભારત તરફ વધુ એક કદમ આગળ વધ્યા
– ગુજરાતમાં ઉદ્યોગો માટે સાનુકૂળ વાતાવરણ, આગામી સમયમાં ગુજરાતમાં ખૂબ મૂડી રોકાણ આવશે
– ગુજરાતને હાલ જે સિદ્ધિઓ મળે છે, તેનો પાયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાખ્યો છે
– ગુજરાતના ઇતિહાસમાં આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે
આ અવસરે માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા અંકલેશ્વર એરપોર્ટ (ફેઝ-1) ના ખાતમુહૂર્ત ઉપરાંત એગ્રો ફૂડ પાર્ક, ટ્રાઇબલ ઔદ્યોગિક પાર્ક, સી-ફૂડ પાર્ક, MSME પાર્ક તથા વિવિધ આંતરમાળખાકીય પ્રોજેક્ટ્સ મળીને કુલ ₹8200 કરોડથી વધુના કામોનું ભૂમિપૂજન-ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું હતું.#VishwasSeVikas pic.twitter.com/DnSNjZFPOE
— CMO Gujarat (@CMOGuj) October 10, 2022
આ પ્રસંગે પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશભાઈ મોદી, સહકાર, કુટિર ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, અરુણસિંહ રાણા, સંજયભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, GIDC ના વહીવટી સંચાલક એમ.થેન્નારસન, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ અધિક્ષક લીના પાટીલ સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી.