થર્ડ પાટી એપ દ્વારા હવે કોલરેકોર્ડિંગ નહીં – ગૂગલે કરી જાહેરાત
આજથી થર્ડ પાટી એપ દ્વારા હવે કોલરેકોર્ડિંગ નહી થઇ શકે. ગયા મહિને ગૂગલે જાહેરાત કરી હતી કે તે પ્લે સ્ટોરમાંથી તમામ કોલ રેકોર્ડિંગ એપ્સને પ્રતિબંધિત કરી રહ્યું છે. આ પ્લે સ્ટોર પોલિસી આજથી એટલે કે 11 મેથી અમલમાં આવી છે. આ નિર્ણયની અસર ફોનમાં ઇનબિલ્ટ રેકોર્ડિંગ ફીચરમાં નહી જોવા મળે. ટેક જાયન્ટ ગૂગલ કોલ રેકોર્ડિંગ એપ્સ અને સેવાઓની વિરુદ્ધ છે. કંપનીનું માનવું છે કે આ યુઝરની પ્રાઇવસી વિરુદ્ધ છે. આ કારણોસર Google ની Dialer એપથી જ્યારે કોલ રેકોર્ડ કરવામાં આવે છે ત્યારે બંને સાઇડ યુઝર્સને સૂચના આપવામાં આવે છે.
ઇનબિલ્ટ કૉલ રેકોર્ડિંગ હશે તો કોઇ મુશ્કેલી નહી
ગૂગલે સ્પષ્ટતા કરી કે આ ફેરફાર થર્ડ પાર્ટી એપ્સથી કોલ રેકોર્ડ કરતા યુઝર્સને જ અસર કરશે. મતલબ કે જો તમારા ફોનમાં ઈનબિલ્ટ કોલ રેકોર્ડિંગ ફીચર ઉપલબ્ધ છે તો તેમાં કોઈ ફેરફાર થશે નહીં. જો કે, રેકોર્ડિંગ કાર્યક્ષમતા એ બાબત પર પણ આધાર રાખે છે કે તમારા દેશમાં કોલ રેકોર્ડ કરવા લીગલ છે કે નહી. ભારતમાં હાલ કોલ રેકોર્ડ કરી શકાય છે. જો તમારા ફોનમાં ઇનબિલ્ટ કોલ રેકોર્ડિંગની સુવિધા આપવામાં આવી હોય તો તમે પહેલાની જેમ જ કોલ રેકોર્ડ કરી શકશો.
કૉલ રેકોર્ડિંગ એપને APIનો ઍક્સેસ નહી અપાય
નવી ગૂગલ પ્લે સ્ટોર પોલિસી અનુસાર કંપની કોઈપણ થર્ડ પાર્ટી એપને એન્ડ્રોઈડ ફોન પર ગૂગલની એક્સેસિબિલિટી APIનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે નહીં. આ સાથે કોલ રેકોર્ડર એપ કામ નહીં કરે. કંપનીએ એન્ડ્રોઇડ 10 પર કોલ રેકોર્ડિંગ ફીચરને ડિફોલ્ટ રૂપે બંધ કરી દીધું હતું. જેના કારણે કોલ રેકોર્ડિંગ એપ્સે ફોનના એક્સેસિબિલિટી APIનો ઉપયોગ કરીને કોલ રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. આના કારણે એપને જરૂરી વસ્તુઓની ઍક્સેસ મળી ગઈ, જેનો ઘણા ડેવલપર્સે ખોટો ફાયદો ઉઠાવ્યો. આ જોઈને ગૂગલે પોલિસી બદલી. હવે કૉલ રેકોર્ડિંગ એપને ઍક્સેસિબિલિટી APIનો ઍક્સેસ આપવામાં આવશે નહીં. જેના કારણે કોલ રેકોર્ડિંગ થઈ શકતું નથી.
Truecaller પણ કરી આવી જાહેરાત
ગૂગલની આ જાહેરાત બાદ Truecaller પણ તેની એપમાંથી કોલ રેકોર્ડિંગ ફીચર હટાવવાની જાહેરાત કરી છે. એટલે કે Truecaller દ્વારા પણ યુઝર્સ કોલ રેકોર્ડ કરી શકશે નહીં.