ટોપ ન્યૂઝનેશનલ

‘મારા પિતાજી અને બધાંના નેતાજી નથી રહ્યા’, મુલાયમના નિધન બાદ પુત્ર અખિલેશ થયો ભાવુક

Text To Speech

ગુરુગ્રામઃ સમાજવાદી પાર્ટીના નેતા અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવનું 82 વર્ષની વયે નિધન થઈ ગયું છે. તેઓ છેલ્લાં કેટલાંક સમયથી હરિયાણાના ગુરુગ્રામમાં આવેલી મેદાંતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. મુલાયમ સિંહ યાદવના નિધન પર તેમના પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ ભાવુક થઈ ગયા. સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે મારા પિતાજી અને બધાંના નેતા નથી રહ્યા.

મળતી માહિતી મુજબ પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહે સોમવાર સવારે 8 વાગ્યેને 15 મિનિટ અંતિમ શ્વાસ લીધા. તેમને 22 ઓગસ્ટે મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબિયત લથડતાં 2 ઓક્ટોબરે તેમને CCUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. છેલ્લાં 5 દિવસથી મુલાયમસિંહ યાદવની તબિયત ગંભીર હતી, ત્યારે આજે તેમનું નિધન થયું છે.

મુલાયમ સિંહના નિધનના સમાચાર મળતાં જ તેમના પુત્ર અખિલેશ યાદવ મેદાંતા હોસ્પિટલ પહોંચ્યા છે. છેલ્લાં એક સપ્તાહથી અખિલેશ યાદવ સતત મેદાંતા હોસ્પિટલમાં હાજર હતા અને મુલાયમ સિંહના સ્વાસ્થ્યને લઈને ભારે ચિંતિત હતા. હાલ મેદાંતા હોસ્પિટલમાં આખો યાદવ પરિવાર ઉપસ્થિત છે.

મુલાયમસિંહને મેદાંતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા બાદથી યાદવ પરિવાર ત્યાં જ હાજર છે. અખિલેશ યાદવ, તેમના પત્ની ડિમ્પલ યાદવ, પ્રતીક યાદવ, રામગોપાલ યાદવ, શિવપાલસિંહ યાદવ, ધર્મેન્દ્ર યાદવ, તેજપ્રતાપ યાદવ સહિત પરિવારના તમામ સભ્યો છેલ્લા એક સપ્તાહથી મેદાંતા જ છે. તેમના નિધન બાદ તમામ લોકો ભાવુક થઈ ગયા.

સૈફઇમાં થશે અંતિમ સંસ્કાર
મુલાયમસિંહ યાદવનો પાર્થિવ દેહ હાલ હોસ્પિટલમાં જ છે. મળતી માહિતી મુજબ મુલાયમસિંહ યાદવના પાર્થિવ શરીરને તેમના ગામ સૈફઇ લઈ જવાશે. જ્યાં તેમના અંતિમ સંસ્કાર થશે. નેતાજીના નિધનથી સૈફઇમાં લોકોની ભીડ એકઠી થવા લાગી છે. તમામ લોકો ભાવુક છે અને અનેક લોકો નેતાજીને યાદ કરીને રડી રહ્યાં છે.

Back to top button