કોણ કહે છે કે રાજકારણીને કઇ દિવસ સજા નથી થતી, આવા દિવસો હવે ગયા અને ગુજરાતમાં રાજકારણીઓને સજા મળ્યાનાં ઉપરાછાપરી બે દાખલા કોર્ટે અને તંત્રએ છેલ્લા એક અઠવાડીયામાં જ આપ્યા છે. જી હા, થોડા દિવસો પૂર્વે રાજકોટ જીલ્લાનાં જેતપૂર શહેરનાં રાજકારણી કોર્ટની ઝપેટે આવી ગયા હતા અને સજા પામ્યા હતા, ત્યારે આજે ફરી એક વખત કોર્ટે પોતાનો તિખ્ખો મીઝાજ બતાવી વધુ એક રાજકારણીને સજા ફટકારી છે. અને રાજકારણી પણ કોઇ કાર્યકરતા નહીં, પરંતુ આ સજા પામનાર રાજકારણી તો MLA છે અને જુગાર રમતા ઝડપાયાનાં કેસમાં સજા પામ્યા છે.
જી હા, પંચમહાલના શિવરાજપુર પાસેના જીમીરા રિસોર્ટમાં જુગાર રમતા ઝડપાયેલા ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને હાલોલ કોર્ટે સજા સંભળાવી છે. કેસરીસિંહ સહિત 26 લોકોના જુગાર રમતા ઝડપાયા હતા, આ તમામ આરોપીઓને કોર્ટે 2 વર્ષની સજા ફટકારી છે. સજાની સાથે 4 હજારનો દંડ પણ ફટકારાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડાની માતર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી જુગાર રમતા ઝડપાયા હતા. કેસરીસિંહ પંચમહાલના શિવરાજપુર પાસે આવેલા જીમીરા રિસોર્ટમાં જુગાર રમતા હતાં. અહીં પોલીસે દરોડા પાડતા ધારાસભ્ય કેસરીસિંહ સાથે અન્ય 20થી વધુ લોકો પણ જુગાર અને દારૂની મહેફિલ માણતા ઝડપાયાં હતા.