‘ભાજપના નેતાઓ આવે છે ત્યારે જ રસ્તાઓ રીપેર થાય છે’ ભાવનગર યુવરાજના ટ્વિટથી ખળભળાટ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી ગઈ છે. કોઈપણ ઘડીએ ચૂંટણીઓ જાહેર થઈ શકે છે. ત્યારે બે દિવસ અગાઉ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રી કીરન રિજીજુ ભાવનગર આવ્યા હતા. ગોહિલવાડમાં કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેઓએ ભાવનગરના રોડ રસ્તા બાબતે સરકારના વખાણ કરતું ટ્વિટ રસ્તાના વીડિયો સાથે ટ્વિટર ઉપર શેર કર્યું હતું. વાત આટલેથી નથી અટકતી પણ આ ટ્વિટ ઉપર ભાવનગર યુવરાજ અને યુવકોના લોકપ્રિય જયવીરરાજસિંહ ગોહિલે એવું રિટ્વિટ કર્યું કે જેનાથી ખળભળાટ મચી ગયો હતો. યુવરાજ જયવીરરાજસિંહે પોતાના રિટ્વિટમાં લખ્યું હતું કે આ રસ્તાઓ ભાજપના નેતાઓ આવે છે ત્યારે જ સારા થાય છે. યુવરાજ દ્વારા કરવામાં આવેલા ટ્વિટના કારણે ભાવનગર સહિત રાજ્યભરમાં રાજકારણ ગરમાયુ છે.
શું છે ટ્વિટ અને રિટ્વિટનો આખો મામલો ?
મળતી માહિતી મુજબ, ભાવનગરમાં નિર્માણ પામનારાં નવાં ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટના બિલ્ડીંગનું કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રી કીરન રિજીજુ અને રાજ્યના કાયદા અને ન્યાયમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે ખાતમુહૂર્ત કરવા માટે બંને નેતાઓ બે દિવસ પહેલા ભાવનગર આવ્યા હતા. ભાવનગર આવેલા કેન્દ્રીય મંત્રી કિરણ રીજ્જુએ કાર્યક્રમ બાદ એક ટ્વિટ કર્યું હતું અને ભાવનગરના હાઇ – વેનો વીડિયો તે ટ્વિટ સાથે જોડ્યો હતો. ટ્વિટમાં ભાજપ શાસિત સરકાર દ્વારા રોડ રસ્તાના કામો કરાયા છે તે સંદર્ભમાં સરકારના વખાણ કરવામાં આવ્યા હતા. દરમ્યાન આ ટ્વિટ ઉપર ગોહિલવાડના યુવરાજ જયવીરરાજસિંહએ રિટ્વિટ કરી પોતાનું મંતવ્ય વ્યક્ત કરતા કહ્યું કે, ‘રાષ્ટ્રીય ધોરીમાર્ગો સુધરી રહ્યા છે, તેમાં કોઈ શંકા નથી, જો કે શહેરની અંદરના ઘણા રસ્તાઓ એકદમ બિસ્માર છે અને મોટાભાગે ભાજપના મંત્રીઓ આવે ત્યારે જ તેનું સમારકામ થાય છે. અમે આશા રાખીએ છીએ કે, તમે બધા રસ્તાઓ માટે અવારનવાર અમારી મુલાકાત લેશો’.
આ પણ વાંચો : ચૂંટણીનો ધમધમાટ, જાણો કેમ PM મોદી વારંવાર કરી રહ્યાં છે ગુજરાત પ્રવાસ