ત્વચા પર આ રીતે કરો ગાયના દૂધથી મસાજ, થશે ફાયદો
ગાયના દૂધમાં હોય છે ત્વચા માટે જરૂરી પોષકતત્વો આથી તે ત્વચાને શુષ્ક થતા અટકાવે છે. ગાયનું દૂધ પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે. એમાં લેક્ટિક એસિડ, વસા અને અનેક માઇક્રોન્યુટ્રિએન્ટ્સ જોવા મળે છે. જે હેલ્થ માટે તો હેલ્ધી છે જ પરંતુ ત્વચા માટે પણ બહુ ફાયદાકારક છે. કાચું દૂધ ત્વચા માટે મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે. તે ત્વચાને ટોન પણ કરે છે. કાચા દૂધથી નિયમિત રીતે મસાજ કરવાથી ચહેરો ચમકદાર, ડાઘરહિત અને મુલાયમ બને છે. આ ઉપરાંત કાચું દૂધ ત્વચા માટે અનેક રીતે ફાયદારૂપ છે. તેના વિશે વિસ્તારથી જાણીએ.
મોઇશ્ર્ચરાઇઝર : ઠંડીની શરૂઆત થઇ ચૂકી છે, તેની અસર ત્વચા ઉપર દેખાય છે. કાચા દૂધથી ત્વચા પર મસાજ કરવાથી તમને મોઇશ્ર્ચરાઇઝરની જરૂર નહીં પડે. એનાથી ત્વચા નેચરલ સોફ્ટ રહે છે પરિણામે ઠંડીને કારણે ચહેરો શુષ્ક થઇ જતો નથી.
ટેનિંગ દૂર કરે છે : ગરમીને કારણે ત્વચા પરના ટેનિંગથી છુટકારો મેળવવા ઇચ્છતા હોવ તો નિયમિત રીતે કાચા દૂધથી ત્વચા ઉપર મસાજ કરો. દૂધ ત્વચાની અંદર જઇને પોષણ આપવાની સાથે સાથે ટેનિંગને દૂર કરવામાં મદદ કરે છે
ડાર્ક સર્કલ : દૂધમાં રહેલાં લેક્ટિક એસિડ અને વસા ચહેરા પરના ડાઘ-ધબ્બા અને ડાર્ક સર્કલને ઘટાડવામાં મદદ કરે છે. આંગળીનાં ટેરવાંથી ડાર્ક સર્કલ પર મસાજ કરો. એનાથી ફાયદો પણ થશે અને કાચું દૂધ તમારી ત્વચાને નુકસાન પહોંચાડતું નથી.
દૂધથી મસાજ કરવાની રીત : તમે ગાય કે ભેંસ કોઇના પણ દૂધનો ઉપયોગ કરી શકો છો, પરંતુ આયુર્વેદમાં ગાયના દૂધને વધારે પૌષ્ટિક માનવામાં આવે છે. તેથી ગાયના દૂધનો ઉપયોગ વધારે ફાયદાકારક થઇ શકે છે. દૂધથી મસાજ કરવા માટે સૌથી પહેલાં તમે તમારા ચહેરાને કોઇ સારા ફેસવોશથી ધોઇ લો. એ પછી કોટન રૂ વડે દૂધને આખા ચહેરા પર સારી રીતે લગાવી દો. દૂધમાં મલાઈ હોય તો એનો ઉપયોગ પણ કરી શકો છો. કોટનથી દૂધ આખા ચહેરા પર વ્યવસ્થિત રીતે લાગી જાય એ પછી હથેળીમાં થોડું દૂધ લઇને હળવા હાથે ચહેરા પર મસાજ કરો. ડાર્ક સર્કલ, ડાઘ-ધબ્બાને પણ સારી રીતે દૂધથી કવર કરી મસાજ કરો. 10 મિનિટ મસાજ કર્યાં બાદ 10થી 15 મિનિટ ચહેરાને એમ જ રહેવા દો. તમારી સ્કિન ડ્રાય હશે તો દૂધ અંદર ઊતરી જશે. એ પછી સાદા પાણીથી ચહેરો ધોઈ લો. જેમની ત્વચા શુષ્ક છે તેઓ શિયાળામાં નિયમિત રીતે દૂધથી મસાજ કરી શકે. જેમની સ્કિન ઓઇલી છે તેઓ એક દિવસ છોડીને કાચા દૂધથી મસાજ કરી શકે.