પાલનપુર : ડીસામાં ઇદે મિલાદુન્નનબીનું ઝુલુસ નિકળ્યું
પાલનપુર : ઇસ્લામ ધર્મના મહાન અને અંતિમ પયગંબર હઝરત મોહમદ પયગમ્બર સાહેબના જન્મ દિવસ નિમિતે ભવ્ય ઇદે મિલાદુન્નનબીનું ઝુલુસ અખરચોકથી હઝરત સૈયદ અખતર અલી બાવાએ લીલી ઝંડી બતાવી ઝુલુસનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ઝુલુસ અખર ચોક થી મીરા મોહલ્લા થઇ જૂની પોલીસ લાઈન, રિસાલા ચોક, ભગવતી, લેખરાજ ચાર રસ્તા, સદર બજાર, જૂની જેલ, મીરા મોહલ્લા, રાજપુર બડાપુરા, છોટા પુરા થઈ અખખર ચોકમાં સમાપન કરાયું હતું.
આ પ્રસંગે લોધવાસ ખાતે બાબુભાઇ લોધા દ્વારા જયારે આંબલી કુવા ખાતે નિલેશભાઈ પરમાર દ્વારા હઝરત સૈયદ મોહમદ અલી બાવા તથા હઝરત સૈયદ હસન અલી બાવાનું ફૂલહાર થી સ્વાગત કરી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા. ઝુલુસના માર્ગો પર મુસ્લિમ યુવાનો દ્વારા ડોલીવાસ ખાતે ચોકલેટ તથા મીરા મોહલ્લા ખાતે સરબત તથા બડા પુરા ખાતે છાસ તથા બિસ્કિટ સહિત વસ્તુઓનું નિયાઝ તરીકે વિતરણ કરવામાં આવ્યું હતું. ઝુલુસમાં ઊંટ સવાર, જીપ ગાડી, રિક્ષાઓ તથા ખાસ મક્કા તથા મદીના શરીફના નકશીકામવાળા રોઝા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
આ પણ વાંચો : પાલનપુર : ડીસામાં સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ કરનાર ટ્યુશન શિક્ષકની અટકાયત
બાળકો આકર્ષણનું કેન્દ્ર બન્યા
ઝુલુસમાં હાથ માં ઝંડા સાથે “યા મરહબા, યા મુસ્તુફા” ના નારા સાથે યુવાનો નજરે પડ્યા હતા. અહીંનાબડાપુરા તથા અખખર ચોક તથા ડોલીવાસ ખાતે નિયાઝ કરવામાં આવી હતી. ઝુલુસમાં નાના ભૂલકાઓ દાવતે ઇસ્લામી મદરસા માં પઢતા બાળકો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
ઝુલુસમાં મુફ્તી અસગરઅલી, મોલાના શોકત અલી અકબરી, મોલાના મુજમમિલ, મોલાના ફિરોઝ સહિત ઉલમાએ કિરામ તથા મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઝુલુસમાં જોડાઈને ઇદે મિલાદની ઉજવણી કરી હતી. આ પ્રસંગે શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.