ગુજરાત કોંગ્રેસના આગેવાનોઓએ જ્યોતિષપીઠ બદ્રી કેદારનાથ શંકરાચાર્યશ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજના અધ્વેત આશ્રમ ખાતે આશીર્વાદ મેળવ્યા છે. જેમાં ગુજરાત અને દેશ સુખાકારી અને પ્રગતિના માર્ગ ઉપર આગળ વધે તેના માટે કામના કરી છે તેમ આલોક શર્માએ જણાવ્યું છે.
રાજકારણમાં જનારા લોકો સસ્તો રસ્તો જુવે છે
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી અમદાવાદમાં આવ્યા છે. ત્યારે શાહપુરના અદ્વૈત આશ્રમમાં અવિમુક્તેશ્વરાનંદ પધાર્યા છે. તથા કોંગ્રેસના નેતાઓ અવિમુક્તેશ્વરાનંદના આશિર્વાદ લેવા પહોંચ્યા છે. જેમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીએ જણાવ્યું છે કે અમારી પાસે તમામ પક્ષના નેતાઓ આવતા હોય છે. અમે તેમને સત્કાર્ય માટે આશિષ આપતા હોઇએ છીએ. ચૂંટણીમાં દરેક મુદ્દો મહત્વનો હોય છે. રાજકારણમાં જનારા લોકો સસ્તો રસ્તો જુવે છે. ધર્મના મુદ્દાથી સાબિત થાય છે કે તેમનામાં ધર્મ છે. ધર્મના રસ્તે ઝડપથી સફળતા મળે છે.
દેશમાં કોઈ દુઃખી ના રહે તેના માટે કામના કરીને આશીર્વાદ મેળવ્યાં
આજ રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્મા સહિત આગેવાન અને કાર્યકર્તાઓએ અધ્વેત આશ્રમ અમદાવાદ ખાતે જ્યોતિષપીઠ બદ્રી કેદારનાથ શંકરાચાર્યશ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ જણાવ્યું હતું કે, “સનાતન ધર્મએ હંમેશા આપણી સંસ્કૃતિને ભાઈચારાનો રસ્તો દર્શાવ્યો છે. આજે અધ્વેત આશ્રમમાં આવીને શંકરાચાર્યજીના દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને તેમની પાસે ગુજરાત અને દેશ સુખાકારી અને પ્રગતિના માર્ગ ઉપર આગળ વધે અને દેશમાં કોઈ દુઃખી ના રહે તેના માટે કામના કરીને આશીર્વાદ મેળવ્યાં છે.”
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પંકજ શાહ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કોર્ડીનેટર હેમાંગ રાવલ સહિત શહેરના આગેવાનો તથા કાર્યકર્તાઓએ પણ મોટી સંખ્યામાં હાજર રહી શંકરાચાર્યજીના દર્શન અને આશીર્વાદ મેળવ્યાં હતાં.