ફિલ્મ ‘આદિપુરુષ’નાં વિવાદો વચ્ચે ડિરેક્ટર ઓમ રાઉતે અક્ષય કુમારની ફિલ્મ ‘રામ સેતુ’ને લઈને આપ્યું મોટું નિવેદન
ફિલ્મ ‘આદિ પુરુષ’ સામે વિરોધ સતત વધી રહ્યો છે. દરેક લોકો ફિલ્મના નિર્દેશક ઓમ રાઉત, અભિનેતા પ્રભાસ અને સૈફ અલી ખાનની ટીકા કરી રહ્યા છે. કેટલાક લોકો ફિલ્મના VFXની મજાક ઉડાવી રહ્યા છે, તો કેટલાક લોકો ફિલ્મમાં બતાવવામાં આવેલા સીન પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ‘હેશટેગ રામ સેતુ’ ટ્રેન્ડ થવા લાગ્યું છે. જે બાદ દરેકના મનમાં સવાલો ઉઠવા લાગ્યા છે કે આખરે અક્ષય કુમારની ફિલ્મ ‘રામ સેતુ’નો પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’ સાથે શું સંબંધ છે.
આ પણ વાંચો : ‘આદિપુરૂષ’ની મુશ્કેલીમાં વધારો, હવે ફિલ્મના ડિરેક્ટરને લીગલ નોટિસ
ફિલ્મ ‘આદિપુરુષ’ પહેલા અક્ષય કુમારની ફિલ્મ ‘રામ સેતુ’ સિનેમાઘરોમાં રીલીઝ થવાની છે. આ બંને ફિલ્મો રામાયણ પરથી જ પ્રેરિત છે. આ જ કારણ છે કે બંને ફિલ્મોની હવે સરખામણી કરવામાં આવી રહી છે. જોકે, રામ સેતુ એક એક્શન અને એડવેન્ચર ફિલ્મ છે. જ્યારે, આદિપુરુષ સત્તાવાર રીતે ‘રામાયણ’ પર આધારિત છે. આવી સ્થિતિમાં જ્યારે ‘આદિપુરુષ’ના નિર્દેશક ઓમ રાઉતને બંને ફિલ્મોની સરખામણી વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કંઈક અલગ જ જવાબ આપ્યો હતો.
રામાયણ આપણો વાસ્તવિક ઇતિહાસ છે, કોઈ પૌરાણિક કથા નથી : ઓમ રાઉત
ઓમ રાઉતને જ્યારે ફિલ્મ ‘રામ સેતુ’ વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, ‘રામાયણ આપણો ઈતિહાસ છે, અને ભગવાન રામનો ભક્ત હોવાથી હું ખૂબ જ ખુશ છું. કારણ કે ‘રામ સેતુ’ દ્વારા દરેકને સમજાશે કે જે રામાયણ આપણો વાસ્તવિક ઇતિહાસ છે, કોઈ પૌરાણિક કથા નથી.’ ઉપરાંત ઓમ રાઉત વધુમાં કહ્યુ હતુ કે , ‘મેં અક્ષય સરને પણ કહ્યું હતું કે મને ગર્વ છે કે તેઓ આ ફિલ્મ લાવી રહ્યા છે. કારણ કે આ ફિલ્મ આપણો ઈતિહાસ સાબિત કરે છે. તે દર્શાવે છે કે આપણી પાસે આપણી રામજન્મભૂમિ, પંચવટી અને રામ સેતુ છે.’
આ દિવાળી પર રિલીઝ થશે ‘રામ સેતુ’
અક્ષય કુમારની ફિલ્મ ‘રામ સેતુ’ આ વર્ષે દિવાળીના અવસર પર 25 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે જેકલીન અને નુસરત ભરૂચા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. દિવાળી પર રિલીઝ થનારી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અજય દેવગનની ફિલ્મ ‘થેંક ગોડ’ સાથે ટકરાશે.