રાજકોટઃ દિલ્હીની કેજરીવાલ સરકારના મંત્રી રાજેન્દ્ર પાલનો એક કથિત વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ભગવાન માનીશ નહીં તેવું કહેતા સંભળાય છે. ત્યારે આ મુદ્દે આજે અમદાવાદ, સુરત અને રાજકોટમાં ચૂંટણી પહેલાં બેનર-પોસ્ટર યુદ્ધ શરૂ થઈ ગયું છે. રાજકોટમાં આમઆદમી પાર્ટી વિરોધી બેનરો લાગ્યા છે. આમઆદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને મુસ્લિમ ટોપી પહેરાવી બેનરમાં ફોટો છાપ્યો છે. અને લખવામાં આવ્યું છે કે “હું હિન્દુધર્મને પાગલપન માનું છું.” આ ઉપરાંત બેનરમાં ‘આ છે આમઆદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર’ તેવું પણ લખવામાં આવ્યું. આ ઉપરાંત અન્ય એક બેનરમાં ‘હું શ્રાદ્ધ, પિંડદાન કે કોઈ હિન્દુ ક્રિયાઓ કરીશ નહીં’ તેવા પણ લખાણ જોવા મળી રહ્યાં છે.
કેજરીવાલ સરકારમાં સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમનો એક કથિત વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. કથિત વાયરલ વીડિયોમાં મંત્રી દેવી-દેવતાઓને નહીં માનવાના શપથ લેવડાવતા દેખાઈ રહ્યા છે. જો કે આ વીડિયોને લઈને કેજરીવાલ પોતાના મંત્રીથી નારાજ છે. મંત્રીના વાયરલ વીડિયોને લઈને હવે આમઆદમી પાર્ટી ભાજપના નિશાને આવી ગઈ છે. ભાજપે મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમને મંત્રી પદેથી હટાવવાની માંગ કરી છે.
કેજરીવાલના મંત્રી રાજેન્દ્રપાલ ગૌતમે એક કાર્યક્રમમાં હાજરી આપી. જ્યાં તેઓએ શપથ લેવડાવ્યા હતા. શપથ લેવડાવતા બોલ્યા હતા કે ‘હું ભગવાન કૃષ્ણને માનીશ નહી. ભગવાન વિષ્ણુને માનીશ નહી. ભગવાન રામ , ભગવાન શંકરને પણ માનીશ નહીં.’ ભગવાન માનવાનો ઈનકાર કરવાના શપથ લેવડાવમાં આવ્યા અને ધર્માંતરણ પણ કરવામાં આવ્યુ. જો કે હમ દેખેંગેની ટીમ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
ભાજપે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી દિલ્હીના મંત્રીના નિવેદનનો વિરોધ કર્યો હતો
ગઈકાલે મંત્રી અરવિંદ રૈયાણીએ પ્રેસ-કોન્ફરન્સ યોજી AAP પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે રાજેન્દ્ર પાલે જાહેર મંચ પરથી ધર્મપરિવર્તનની વાત કરી છે. આદિકાળથી આપણે હિન્દુ ધર્મ સાથે જોડાયેલા છીએ. પછી ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, કૃષ્ણ, રામ સાથે જોડાયેલા છીએ. ક્યાંક ને ક્યાંક લોકોને ફ્રી આપવાનું, ધર્મપરિવર્તન કરાવવાનું બંધ કરો. આ દેશના લોકોને કંઈક જુદું બતાવીને શું સાબિત કરવા માગો છો. ભગવાન રામની કથા હોય કે કૃષ્ણની ભાગવત હોય, એનો વિરોધ કરે છે. આવા નિવેદન બદલ તેમની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ.
આ બેનર હિંદુઓએ લગાવ્યા છે
આ પોસ્ટરસને લઈને ફાઇનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન અને ભાજપના નેતા ધનસુખ ભંડેરીએ પણ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે આ બેનર હિંદુઓએ લગાવ્યા છે, કારણ કે હિંદુઓની લાગણી દુભાણી છે. કેજરીવાલ અને તેના મંત્રીએ માફી માગવી જોઈએ. આમ તો બધું જ કેજરીવાલની મૂક સંમતિથી જ થઈ રહ્યું છે. તેમણે આ વિવાદાસ્પદ નિવેદન આપનાર નેતાને બરખાસ્ત કરીને હિંદુઓની માફી માગવી જોઈએ.