ગુજરાતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની તૈયારીના ભાગરૂપે દાહોદ આવેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિવાદમાં સપડાયા છે. રાહુલ ગાંધી મંગળવારે દાહોદ આવ્યા હતા, ત્યારે વડોદરા એરપોર્ટ પર તેમનું સ્વાગત કરાયું હતું. જોકે, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ તેમને બે-બે વખત સૂતરની આંટી પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમને સૂતરની આંટી પહેરી નહોતી અને હાથમાં લઇ લીધી હતી. જેને પગલે ઋત્વિજ જોશી ભોંઠા પડી ગયા હતા.
તો રાહુલ ગાંધી અને સૂતરની આંટીનો બીજી વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક પૂર્ણ થયા બાદ વીઆઇપી ગેટની સીડીથી નીચે ઉતરી રહ્યાં હતા, ત્યારે તેમના ડાબા હાથમાં એક સૂતરની આંટી જોવા મળી હતી. નીચે ઉતરતી વખતે તેમણે આ સૂતરની આંટી જમણા હાથમાં લઇ લીધી હતી. સીડીની રેલિંગના સહારે ઉતરતાં હોય તેવો ડોળ કરીને હાથમાંની સૂતરની આંટી હળવેકથી નીચે સરકાવી દીધી હતી અને નમસ્કાર કરીને પોતાની ગાડીમાં સવાર થઇ ગયા હતાં. જોત જોતામાં આ ઘટનાનો વીડિયો પણ વાઇરલ થયો હતો.
રાહુલ ગાંધીની આનાકાની પર ભાજપે સાધ્યું નિશાન
વડોદરા એરપોર્ટ પર શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ બે-બે વાર ખાદી પહેરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રાહુલ ગાંધીએ ખાદીની આંટી પહેરવા આનાકાની કરી હતી. ત્યારે આ મુદ્દે ભાજપના પ્રદેશ પ્રવક્તા અને પૂર્વ મેયર ભરત ડાંગરે સોશિયલ મીડિયા પર વીડિયો મૂકતાં લખ્યું કે, મહાત્મા ગાંધીની અટક ધારણ કરીને વર્ષો સુધી જે પરિવારે દેશ પર હકુમત ચલાવી તેના ફરજંદને પૂજ્ય બાપુની પ્રિય ખાદીની આંટી પહેરવામાં પણ તકલીફ છે? તે પણ ગુજરાતમાં?
મહાત્મા ગાંધીજી ની અટક ધારણ કરીને વર્ષો સુધી જે પરીવારે દેશ પર હુકુમત ચલાવી તેમના ફરજંદને પુજ્ય બાપુની પ્રિય ખાદીની આંટી પહેરવામાં પણ તકલીફ છે ?? તે પણ ગુજરાત માં ???@Zee24Kalak @News18Guj @tv9gujarati @abpasmitatv @Divya_Bhaskar @VtvGujarati @SandeshNews1 @sambitswaraj @ANI pic.twitter.com/8WNKQdQWzd
— Dr. Bharat Dangar (@dangarbharat) May 10, 2022
તો રાહુલ ગાંધીના રેલિંગ પર સૂતરની આંટી છોડી મૂકવાના વીડિયો પર લખતાં ભરત ડાંગરે જણાવ્યું કે, સત્તા માટે ગાંધીજીની અટક ધારણ કરનારના ફરજંદે બાપુની પ્રિય સુતરની આંટી પહેરી તો નહીં, પરંતુ પગથિયા પર ફેંકીને બાપુનું અપમાન કર્યું છે. સત્તા લાલચુ કોંગ્રેસ માફી માગે.
ભાજપના આક્ષેપનો કોંગ્રેસનો જવાબ
તો ભાજપના આક્ષેપનો કોંગ્રેસે પણ જવાબ આપ્યો છે. વડોદરા કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોશીએ કહ્યું કે, દાહોદમાં સત્યાગ્રહ રેલીમાં આદિવાસી તથા અન્ય સમાજ જે રીતે જોડાયો અને જે સફળતા મળી તે ભાજપના લોકોથી જોવાતું નથી. તેમણે ટ્વિટ કરીને ભરત ડાંગર પર નિશાન સાધતા કહ્યું કે વડોદરામાં ભાજપને કોઈ પૂછતું નથી, તેમની પાસે કોઈ હોદ્દો નથી. માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે સ્ટેટમેન્ટ આપ્યું છે. ગોડસેની ભક્તિ કરનારા અમને બાપુ વિશે સૂચન ન આપે.