વર્લ્ડ

વ્લાદિમીર પુતિન  આજે 70 વર્ષના થયા: સિક્રેટ એજન્ટથી લઈને રશિયાના રાષ્ટ્રપતિ બનનાર પુતિન આજે  વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિ

ટાઈમ્સ મેગેઝિન દ્વારા ચાર વખત વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિ જાહેર કરાયેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનો આજે 70 મો જન્મદિવસ છે. તેઓ વર્ષ 2012 રશિયાના રાષ્ટ્રપતિ છે અને આજે રશિયામાં તેમને પડકારનાર કોઈ નથી. પુતિનની શક્તિને આજે આખી દુનિયા અનુભવી રહી છે. સેન્ટ પીટર્સબર્ગ (લેનિનગ્રાડ) સ્ટેટ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કરનારા પુતિને ઈ.સ. 1991માં રાજકારણમાં પ્રવેશ કર્યો. આ પહેલા તેઓ 16 વર્ષ સુધી રશિયન ઈન્ટેલિજન્સ એજન્સી KGBનાં એજન્ટ હતાં. તેમણે પૂર્વ જર્મની (ડ્રેસડન)માં 6 વર્ષ સુધી જાસૂસ તરીકે કામ કર્યું હતુ.

આ પણ વાંચો : મંત્રણામાં યુદ્ધનો વિરોધ, પરંતુ હકીકતમાં ભારત આપી રહ્યું છે પુતિનને સમર્થન, અમેરિકા થયું ગુસ્સે

Russian President - Hum Dekhenge News

પુતિનનો ઉછેર ગેંગ કલ્ચરમાં થયો હતો : માર્શલ આર્ટમાં છે એક્સપર્ટ

7 ઓક્ટોબર 1952ના રોજ પુતિનનો જન્મ થયો ત્યારે તેમના શહેરનું નામ લેનિનગ્રાડ હતું. બીજા વિશ્વયુદ્ધ વખતની સૌથી ભીષણ લડાઈઓમાંથી એક અહીં લડાઈ અહિં થઈ હતી. સોવિયેત યુનિયનની પશ્ચિમી ધાર પર સ્થિત આ શહેર બીજા વિશ્વયુદ્ધના સૌથી ઊંડા નિશાનો ધરાવે છે. તેના નિશાને પાછળથી પુતિનના વ્યક્તિત્વ પર પણ છાપ છોડી. જ્યારે પુતિન મોટા થઈ રહ્યા હતા, ત્યારે તેમનું શહેર લેનિનગ્રાડ ‘ગેંગ કલ્ચર’થી ઘેરાયેલું હતું. યુદ્ધોમાં લડવાની ખેવના તેમનામાં બાળપણમાં જ સંભળાતી હતી. આ જ તેમને રશિયન સેના સેમ્બોની માર્શલ આર્ટ તરફ ખેંચી ગઈ હતી. ત્યારબાદ તેમણે જુડો શીખ્યો હતો અને તેમાં 18 વર્ષની ઉંમરે બ્લેક બેલ્ટ પણ મેળવ્યો હતો. એવું કહી શકાય કે પુતિન યુવાન થતાં જ જીવનનાં ઘણા મહત્વપૂર્ણ પાઠો શીખી ગયા હતા.

સિક્રેટ એજન્ટ રહેલા પુતિનની મોટાભાગની માહિતી પણ સિક્રેટ

પુતિન એક ગુપ્ત એજન્ટ હતા. તેમના જીવનની સામાન્ય બાબતોને બાદ કરતાં, મોટાભાગની માહિતી આજે પણ ગુપ્ત છે. જ્યારે પુતિન માત્ર 16 વર્ષના હતા, ત્યારે તેઓ એજન્ટ તરીકે નોકરી કરવા માંગતા હતા, આ માટે તેઓ લેનિનગ્રાડની KGB  બિલ્ડિંગમાં ગયા હતા. ત્યાં તેમણે રિસેપ્શનનાં પર રેડ કાર્પેટ પર બેઠેલા ઓફિસરને કહ્યું કે તે એજન્ટ બનવા માંગે છે. ત્યારે અધિકારીએ તેમને કાયદાની ડિગ્રી મેળવવાની સલાહ આપી.

ત્યારબાદ પુતિને કાયદાની ડિગ્રી મેળવવાં માટે લેનિનગ્રાડ સ્ટેટ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો અને ઈ.સ. 1975માં ડિગ્રી મેળવ્યા પછી KGB ઇન્ટેલિજન્સનાં એજન્ટ બન્યા. જર્મન શીખ્યા પછી, પુતિનને ઈ.સ.1985માં પૂર્વ જર્મની (તે સમયે સોવિયેત યુનિયનનો ભાગ) ડ્રેસ્ડેનમાં KGB ઑફિસમાં પોસ્ટ કરવામાં આવ્યાં હતાં. અહીં પુતિન વિશ્વમાં સોવિયેત સંઘના ઘટતા પ્રભાવને નજીકથી જોઈ રહ્યા હતા.

પુતિન વિશેનો અન્ય એક પ્રસિદ્ધ કિસ્સો એ છે કે 5 ડિસેમ્બર, 1989ના રોજ જ્યારે KGB ઓફિસને સોવિયેત વિરોધી ટોળાએ ઘેરી લીધું હતું, ત્યારે પુતિન વારંવાર નજીકના રેડ આર્મી યુનિટને મદદ માટે બોલાવી રહ્યા હતા. તેમના સુધી કોઈ મદદ પહોંચી નોહતી કારણ કે મોસ્કોના આદેશ વિના રેડ આર્મી યુનિટ કંઈ પગલાં લઈ શકતી નહોતી.

કાયદાના શિક્ષક પાસેથી શીખ્યા રાજકારણ

ઈ.સ. 1991માં સોવિયેત યુનિયનના તૂટ્યા પછી, લેનિનગ્રાડ ફરીથી સેન્ટ પીટર્સબર્ગ બન્યું. ત્યારે પુતિન અહીં આવ્યા હતા અને યુનિવર્સિટીના વાઈસ રેક્ટરના ડેપ્યુટી બન્યા હતા. બાદમાં તેઓ યુનિવર્સિટીમાં જ તેમના પ્રોફેસર એનાટોલી સોબચકના સહાયક બન્યા, જેમણે લેનિનગ્રાડ સિટી કાઉન્સિલના અધ્યક્ષ બનવા માટે યુનિવર્સિટી છોડી દીધી હતી. પુતિને તેમનું ચૂંટણી પ્રચાર સંભાળ્યો અને સફળ રહ્યા. તેમણે પોતાના કાયદાના શિક્ષક પાસેથી રાજકારણની યુક્તિઓ પણ શીખી હતી.

જૂન 1991માં પુતિન સેન્ટ પીટર્સબર્ગના ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયા હતા. તે જ વર્ષે ઓગસ્ટમાં તેઓ સત્તાવાર રીતે KGBથી અલગ થઈ ગયાં હતાં. જ્યારે સોબચક ઈ.સ. 1996માં મેયરની ચૂંટણી હારી ગયા, ત્યારે પુતિન મોસ્કો ગયા. અહીં તેમણે ક્રેમલિન વિભાગમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. જુલાઈ 1998માં સોવિયેત KGBનું સ્થાન લેનારી રશિયન એજન્સી FSB (ફેડરલ સિક્યુરિટી સર્વિસ)ના વડા બનતા પહેલા તેમણે ક્રેમલિનમાં વિવિધ જવાબદારીઓ સંભાળી હતી.

રાજકારણમાં ઝડપથી ઉભરી આવ્યા , વર્ષ 2000માં પ્રથમ વખત બન્યા રાષ્ટ્રપતિ

પુતિને રાજકારણમાં ખુબ જ ઝડપી સફળતાઓ મેળવી હતી. 31 ડિસેમ્બર 1999ના રોજ જ્યારે યેલતસિને રાજીનામું આપ્યું, ત્યારે પુતિનને તેમના સ્વાભાવિક અનુગામી ગણવામાં આવ્યા અને તેઓ કાર્યકારી પ્રમુખ બન્યા હતાં. જ્યારે તત્કાલિન રાષ્ટ્રપતિ બોરિસ યેલતસિને ઓગસ્ટ 1999માં તેમને ડેપ્યુટી પીએમ બનાવ્યા હતા. તે જ વર્ષે તેઓ રશિયાના વડાપ્રધાન પણ બન્યા હતા. માર્ચ 2000 માં, પુતિન રશિયાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા ત્યારથી તેઓ રશિયામાં સત્તાનાં કેન્દ્રમાં છે.

પુતિન 2004 માં ફરીથી રાષ્ટ્રપતિ બન્યા, પરંતુ 2008 માં તેમને પદ છોડવું પડ્યું, કારણ કે રશિયાના બંધારણ હેઠળ કોઈ વ્યક્તિ સતત ત્રણ ટર્મ માટે રાષ્ટ્રપતિ બની શકતાં નથી. વર્ષ 2008 થી 2012 સુધી વડા પ્રધાન પદ સંભાળ્યા પછી,  તેઓ ફરીથી રાષ્ટ્રપતિ બન્યા અને અત્યાર સુધી આ પદ પર છે. વર્ષ 2008 માં, રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે રાષ્ટ્રપતિની મુદત 4 વર્ષથી વધારીને 6 વર્ષ કરવા માટે રશિયન બંધારણમાં ફેરફાર કર્યો હતો. આ ફેરફાર પુતિન લાંબા સમય સુધી દેશ પર શાસન કરી શકે તે માટે કરવામાં આવ્યો હતો.

તે એક રહસ્ય છે કે કેવી રીતે સેન્ટ પીટર્સબર્ગમાં સાધારણ રાજકીય સ્થિતિ ધરાવતા KGB એજન્ટ માત્ર અઢી વર્ષમાં ક્રેમલિન પહોંચી શક્યા અને દેશના સૌથી શક્તિશાળી લોકોમાંના એક બન્યા. તેણે શું કર્યું કે યેલ્તસિન તેને થોડા મહિનામાં પહેલા ડેપ્યુટી પીએમ અને પછી વડાપ્રધાન બનાવી દીધા. અંતે પ્રમુખ પદ પણ તેમના માટે છોડી દેવામાં આવ્યું હતું.

રશિયામાં સત્તાનું કેન્દ્ર છે પુતિન

પુતિને ઈ.સ.1983 માં લ્યુડમિલા સાથે લગ્ન કર્યા અને વર્ષ 2014 માં છૂટાછેડા લીધા હતા. તેમની બે પુત્રીઓ મારિયા અને યેકાટેરીનાનો જન્મ 1985 અને 1986 માં થયો હતો. પુતિનનો પરિવાર લાઈમલાઈટથી હંમેશા દૂર રહ્યો છે.

પુતિનનું વ્યક્તિત્વ નબળા પડી રહેલા સોવિયેત યુનિયનની છાપ ધરાવતું હોવાનું માનવામાં આવે છે. તેઓ રશિયાની જૂની સત્તા પાછી મેળવવાની ઘેલછાની હદ સુધી પ્રતિબદ્ધ છે. પુતિન સત્તાના કેન્દ્રીકરણમાં માને છે અને તેથી જ તેઓ પોતે રશિયામાં સત્તાનું કેન્દ્ર બન્યા છે. પુતિનને જ્યારે પણ તક મળી ત્યારે તેમણે રશિયાની સૈન્ય તાકાત બતાવી છે. પછી તે 2008 માં જ્યોર્જિયા પરનું આક્રમણ હોય કે 2014 માં ક્રિમીયાનું યુક્રેન સાથે જોડાણ તેઓ વિશ્વને રશિયાની સૈન્ય તાકાત બતાવવાનો મોકો ક્યારેય છોડતા નથી. પશ્ચિમી દેશો, નાટો અને અમેરિકાની તમામ ચેતવણીઓને અવગણીને પુતિને ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર હુમલો કર્યો હતો અને એવી પરિસ્થિતિઓ બનાવી છે,  જેની અસર યુરોપની સમગ્ર વસ્તી પર થવાની ખાતરી છે.

Back to top button