સોમનાથ, અંબાજી બાદ મોઢેરા સૂર્યમંદિરમાં પણ શરૂ થશે લાઈટ એન્ડ સાઉન્ડ શો, PM મોદીના હસ્તે 9મીએ લોકાર્પણ
મહેસાણાઃ વડાપ્રધાન મોદી ગુજરાતને વધુ એક ભેટ આપવા જઈ રહ્યાં છે. મોઢેરા સૂર્ય મંદિર ખાતે લાઈટ એન્ડ શો શરૂ થઈ રહ્યો છે, જેનો શુભારંભ PM મોદીના હસ્તે કરવામાં આવશે. મળતી માહિતી મુજબ 9મી ઓક્ટોબરે વડાપ્રધાન મોદી ફરી એકવખત ગુજરાતની મુલાકાતે છે, ત્યારે તેઓ સૂર્ય મંદિરના મહત્વને સમજાવતો લાઈટ એન્ડ સાઉન્ડ શો ખુલ્લો મૂકશે.
સોમનાથ, અંબાજી બાદ હવે મોઢેરામાં લાઈટ એન્ડ સાઉન્ડ શો
પહેલા સોમનાથ અને પછી અંબાજીમાં ગબ્બર પર રાજ્ય સરકાર દ્વારા અડધો કલાકનો લાઈટ અને સાઉન્ડ શો શરૂ કરાયો છે. તેવી જ રીતે મોઢેરા સૂર્યમંદિર ખાતે પણ મોઢેરાની ઐતિહાસિક વિરાસતની ઝાંખી કરાવતો લેઝર લાઈટ અને સાઉન્ડ શો વડાપ્રધાન મોદીના હસ્તે લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. જેને અહીં આવતા પ્રવાસીઓ રાત્રિ દરમિયાન નિહાળી શકશે.
લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં શું હશે?
મોઢેરા ખાતે શરૂ થઈ રહેલા લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં સૂર્ય મંદિરનું મહત્વ,વિશ્વ અને ભારતમાં સ્થપાયેલા સૂર્ય મંદિરોની માહિતી, આદિત્ય અને પ્રકૃતિનો સંબધની પ્રતિકૃતિ શોમાં જોવા મળશે. આ ઉપરાંત શો દરમિયાન વડાપ્રધાન મોદીની રિન્યુએબલ એનર્જીનું મહત્વ સમજાવતી સ્પીચ પણ રજૂ કરાશે. રાત્રે 7થી 8ના સમયગાળા દરમિયાન આ શો રજૂ થશે. 18થી 20 મિનિટનો આ શો હશે.
9મી ફરી વડાપ્રધાન મોદી માદરે વતનમાં
આગામી વિધાનસભા ચૂંટણીને લઇને PM મોદીની ગુજરાત વિઝિટ વધી ગઈ છે અને વિવિધ જગ્યાએ વિકાસ કાર્યોના લોકાર્પણ કરીને તેઓ ગુજરાતની જનતાને આડકતરો મેસેજ આપી રહ્યા છે કે, કેન્દ્રમાંને રાજ્યમાં ભાજપની ડબલ એન્જીન સરકાર હશે તો રાજ્યનો વિકાસ થશે અને રાજ્યમાં પ્રગતિ થશે.
PM મોદીના ગુજરાત પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9મી ઓક્ટોબરે ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. મહેસાણા જિલ્લાના વડાપ્રધાનના પ્રવાસને લઈને વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. રવિવારે સાંજે ચાર વાગ્યે બહુચરાજી તાલુકાના દેલવાડા ખાતે જનસભા સંબોધશે. ત્યારબાદ મોઢેરા ખાતે મોઢેશ્વરી માતાના દર્શન કરી આશીર્વાદ મેળવી અને વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરશે. વડાપ્રધાનના આ સંભવિત કાર્યક્રમને લઈને મહેસાણા કલેક્ટર દ્વારા 32 જેટલી કમિટીઓની રચના કરી દેવામાં આવી છે. જોકે આ અંગે વડાપ્રધાન કાર્યાલય દ્વારા સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
સત્તાવાર સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર શરદ પૂનમને દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના કુળદેવી મોઢેશ્વરી માતાના દર્શન કરી આશીર્વાદ મેળવશે. હાલ નક્કી થયેલા સંભવિત કાર્યક્રમ મુજબ 9મી ઓક્ટોબરે બપોરે 4 વાગ્યે દેલવાડા ખાતે એક લાખની જનમેદનીને સંબોધશે. જે બાદ સાંજે 6 વાગ્યે મોઢેરા સ્થિત મોઢેશ્વરી માતાના દર્શન કરીને આશીર્વાદ મેળવશે. મોઢેરા ખાતે સોલાર પાવર પ્લાન્ટ સહિતના કરોડોના વિકાસના કામોનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત મોઢેરા સૂર્યમંદિર ખાતે વિશેષ લાઈટ એન્ડ સાઉન્ડ શોનું પણ લોકાર્પણ કરશે.
વડાપ્રધાનના આગમનને લઈને બે જગ્યાએ ચાર હેલીપેડ બનાવવામાં આવ્યા છે, જેમાં દેલવાડા ખાતે જંગી જાહેર સભા હોવાથી સિક્યુરિટી ટીમના ત્રણ હેલીપેડ બનાવવામાં આવ્યા છે. જ્યારે મોઢેરા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ માટે એક હેલીપેડ બનાવવાનું આયોજન તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે.