ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ લખનૌમાં રમાઈ હતી. ભારતીય કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દક્ષિણ આફ્રિકાએ ભારતને 250 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયા 40 ઓવરમાં આઠ વિકેટે 240 રન જ બનાવી શકી હતી. વરસાદના કારણે આ મેચ 40-40 ઓવરની હતી. આ મેચ જીતવા માટે સંજુ સેમશને તાકાત લગાવી હતી પરંતુ તેને સફળતા મળી ન હતી.
આફ્રિકાના 40 ઓવરમાં 4 વિકેટે 249 રન
લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ વનડેમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને નવ રને હરાવ્યું હતું. વરસાદના કારણે મોડી શરૂ થયેલી મેચને 40 ઓવરની કરવામાં આવી હતી. ટોસ જીત્યા બાદ ભારતીય કેપ્ટન શિખર ધવને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આફ્રિકાની ટીમને શરૂઆતી આંચકા આપવા છતાં ટીમ ઈન્ડિયા તેમને ઓછા સ્કોર પર રોકી શકી ન હતી. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 40 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 249 રન બનાવ્યા હતા. ડેવિડ મિલર 63 બોલમાં 75 અને હેનરિક ક્લાસેન 65 બોલમાં 74 રન બનાવીને અણનમ રહ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયા 40 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 240 રન જ બનાવી શકી હતી. સંજુ સેમસને 63 બોલમાં 86 રનની અણનમ ઇનિંગ રમી હતી. તે જ સમયે, વાઇસ કેપ્ટન શ્રેયસ અય્યરે 50 રન બનાવ્યા હતા.
બીજો વનડે 9 ઓક્ટોબરે રાંચીમાં રમાશે
આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ ત્રણ મેચની વનડે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. આગામી વનડે 9 ઓક્ટોબરે રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ આ શ્રેણીમાં નિયમિત કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ જેવા વરિષ્ઠ ખેલાડીઓ વિના મેદાનમાં ઉતરી છે. આ તમામ ટી20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા ગયા છે. ટીમની કમાન શિખર ધવનના હાથમાં છે. તે જ સમયે, દક્ષિણ આફ્રિકાની ટીમ આ શ્રેણીને તેની સંપૂર્ણ તાકાત સાથે રમી રહી છે.