ગુજરાતમાં વરસાદની વિદાય વચ્ચે અમદાવાદમાં ચોમાસુ ફરી સક્રિય થયુ છે. આજે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. તેમજ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જેમાં શહેરના જમાલપુર, શાહપુર, કારંજ, ખોખરા, હાટકેશ્ર્વર, અમરાઈવાડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
7 અને 8 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતમાં થંડરસ્ટ્રોમ
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. જેમાં 7 અને 8 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે. જેના કારણે વરસાદની સંભાવના છે. થંડરસ્ટ્રોમ એક્ટિવિટીને લીધે 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે નવસારી, પંચમહાલ, ગીર સોમનાથ, વલસાડ અને દાહોદમાં પણ વરસાદની આગાહી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવન સાથે સામાન્ય વરસાદ રહેશે. અમદાવાદમાં વહેલી સવારથી છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે. જેમાં વેજલપુર, સરખેજ, પ્રહલાદનગર, એસ.જી. હાઇવે વિસ્તારમાં ધીમો વરસાદ પડયો છે.
અમદાવાદના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ
અમદાવાદમાં ચોમાસાની ઋતુ પૂર થવાની સત્તાવાર જાહેરાત બાદ આસોમાં અષાઢી માસનો માહોલ છવાયો છે. અમદાવાદમાં મોડી સાંજે કાળા ડિબાંગ વાદળો અને વીજળીના ચમકારા સાથે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના જમાલપુર, શાહપુર, કારંજ, ખોખરા, હાટકેશ્વર, અમરાઈવાડી, મણિનગર, જશોદાનગર, ઘોડાસર, વટવા, ઇશનપુર, વસ્ત્રાલ, રામોલ, હાથીજણ, નિકોલ અને ઓઢવ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે.