વેરાવળમાં ટોલ ટેક્સ ન ભરવા બાબતે હાઇવે ઓથોરિટીના અધિકારી પર હુમલો; 10 લોકો સામે ફરિયાદ
વેરાવળઃ ટોલ ટેકસ ન ભરવા મામલે કાયદો-વ્યવસ્થાની સુચારૂ સ્થિતિ સામે સવાલો ઉભા કરતી ઘટના સામે આવી છે. જેમાં ટોલબુથ ઉપર ટ્રકોના ટેલ ટેકસ ન ભરવા મામલે ચાલી રહેલા વિવાદમાં ટ્રાન્સપોર્ટર અને ત્રણ પત્રકારો સહિત 10 શખ્સોએ કાવતરૂ રચી NHAIની ઓફીસમાં ઘસી જઇ ઉતપાત મચાવી તોડફોડ કરી હતી. આ ઉપરાંત હાઇવે ઓથોરીટીના અઘિકારીને માર મારી જાનથી મારી નાંખવાની ઘમકી આપી હતી.
ટ્રાન્સપોર્ટર જગમાલ વાળાએ ગેરકાયદે મંડળી રચી પત્રકારોને સાથે રાખી તોડફોડ કરી હુમલો કર્યાના ગંભીર આરોપ સાથે ઇજાગ્રસ્ત બનેલા અઘિકારીએ દસેય શખ્સો સામે ફરીયાદ કરતા પોલીસે કાવતરૂ રચવા, રાયોટીંગ, ફરજમાં રૂકાવટ, સાર્વજનીક મિલ્કતો નુકસાન પહોંચાડવા સહિતની કલમો હેઠળ ગુનો નોંઘી કાર્યવાહી હાથ ઘરી ગણતરીના કલાકોમાં તમામ આરોપીઓને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વેરાવળમાં બિહારની જેમ ગુંડાગીરી અને કાયદો વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ સર્જતી ઘટનાની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વેરાવળના ડારી ટોલબુથ ઉપર શિવમ ટ્રાન્સપોર્ટના ટ્રકો ટેકસ ભર્યા વગર પસાર થતા હોવા અંગે બેએક માસથી ટ્રાન્સપોર્ટના સંચાલક જગમાલ વાળા સાથે વિવાદ ચાલી રહ્યો છે. જેમાં ગત તા.23મી માર્ચના રોજ સાંઇબાબા મંદિર સામે આવેલા હાઇવે ઓથોરીટીની આફીસે આવી ટોલ ટેક્સ ન ભરવા બાબતે ઉગ્ર બોલચાલી કરીને કહેલું કે હું તમને જોઇ લઇશ આ વિસ્તાર મારો છે. તમારે આ વિસ્તારમાં બહાર નીકળવું ભારે પડશે. હું મારા માણસોની ટીમ લઇ આવીશ ત્યારે તમને જોઇ લેવાની ઘમકી આપી હતી.
ત્યારબાદ ગઇકાલે બપોરના બારેક વાગ્યા આસપાસ શીવમ ટ્રાન્સપોર્ટના સંચાલક જગમાલભાઇ વાળા સહિત દસ શખ્સોએ મંજૂરી વગર હાઇવે ઓથોરીટીની ઓફીસમાં પ્રવેશ કરી ટોલ ટેકસના પ્રશ્નોને લઇ ઉગ્ર સ્વરૂપમાં રજુઆતો કરી ઉતપાત મચાવી રહેલ હોવાથી હાઇવે ઓથોરીટીના અઘિકારી રાજીવ મલ્હોત્રાએ શાંતિથી વાત કરવા અને સાથે આવેલા શખ્સોને મોબાઇલનું વિડીયો રેકોર્ડીંગ બંઘ કરવા બાબતે સમજાવેલ હતા.
તેમ છતાં કોઇ શખ્સોએ વાત ન માનીને ઓફીસના બંન્ને દરવાજા બંઘ કરી આડા ઉભા રહી અઘિકારી સાથે ગાળાગાળી કરી ટેબલ પર રહેલ લાકડાના પેન સ્ટેન્ડનો છુટો ઘા મારતા આંખ ઉપર વાગ્યું હતું. ત્યારબાદ તમામ શખ્સોએ ખેંચીખેંચીને ઢીકાપાટુનો માર મારી રહ્યા હતા. એ સમયે અવાજ સાંભળીને ઓફીસમાં કામ કરતા અન્ય કર્મચારીઓ દોડી આવી અઘિકારીને છોડાવ્યાં હતા. બાદમાં જતા જતા ટ્રાન્સપોર્ટર જગમાલ વાળાએ તું બહાર નિકળ આ વખતે તું બચી ગયો હવે પછી બચીશ નહીં તેવી ઘમકી આપી નાસી ગયા હતા. ત્યારબાદ અઘિકારીને સારવાર અર્થે સિવીલમાં ખસેડાયા હતા.
આ હુમલાની ઘટના અંગે હાઇવે ઓથોરીટીના ઇજાગ્રસ્ત અઘિકારી રાજીવ મલ્હોત્રાએ શિવમ ટ્રાન્સપોર્ટના સંચાલક જગમાલ વાળા, રામજીભાઇ ચાવડા પત્રકાર, મીલન વાળા, અસ્પાક મુગલ, માલદે વાળા, કનુભાઇ પંડયા, વિજય જોટવા પત્રકાર, મેઘજી ચાવડા, વિશાલ પત્રકાર, દિલ્પેશ રામ સહિતનાએ પુર્વ આયોજીત કાવતરૂ રચી ગેરકાયદેસર મંડળી સાથે કચેરીમાં મંજુરી વગર પ્રવેશી દબાણ લાવવા ફરજમાં અવરોઘ ઉભો કરવા તોડફોડ કરી નુકશાન કરી ઇજા પહોંચાડી માર મારી જાનથી મારી નાંખવાની ઘમકી આપી હતી તે અંગે ફરિયાદ નોંધી હતી.