‘નોરુ ચક્રવાત’ને કારણે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે, ચક્રવાતી પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ભેજ વધવાથી વરસાદ થઈ રહ્યો છે. નોરુ વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો ઑક્ટોબરના મધ્ય સુધી ચાલુ રહેવાની ધારણા છે.
ચોમાસું પુરુ થવામાં થઈ શકે વિલંબ
નોરુ વાવાઝોડાને કારણે દેશના કેટલાક રાજ્યોમાં ચોમાસું પુરુ થવામાં વિલંબ થઈ શકે છે. સ્કાયમેટના જણાવ્યા અનુસાર, આંધ્રપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર અને સાયક્લોનિક સરક્યુલેશનની અસર યથાવત છે. ટર્ફ લાઈન આંધ્ર પ્રદેશના લો પ્રેશરવાળા વિસ્તારથી પર બીજા ચક્રવાત સુધી પસાર થઈ રહી છે. જેના પગલે સમગ્ર ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સુધી અસર જોવા મળશે. ગઈકાલથી વરસી રહેલા વરસાદને કારણે વહેલા રવી વાવણી કરતા રાજ્યોના ખેડૂતોને રાહત થશે, તો બીજીબાજુ શાકભાજી અને ફૂલોની ખેતી પર તેની પ્રતિકૂળ અસર પડી શકે છે.
કયા રાજ્યમાં રેડ અને ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી યુપી અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં વરસાદ પડશે. હવામાન વિભાગે યુપી અને ઉત્તરાખંડ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 7-8 ઓક્ટોબરના રોજ, ઉત્તરાખંડના કુમાઉ અને ગઢવાલ પ્રદેશોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેવી જ રીતે યુપીમાં આગામી બેથી ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.
20 રાજ્યો માટે યલો એલર્ટ
હવામાન વિભાગે દેશના 20 રાજ્યોમાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. એટલે કે ગાજવીજ અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કરેલા રાજ્યોમાં, યુપી, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તેલંગાણા, પુડુચેરી, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કેરળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે.