અમદાવાદ સ્ટેશન પર મુસાફરોને મુકવા જવાનું પણ મોંઘુ પડશે
સામાન્ય જનતા માટે એક પછી મોંઘવારી માર પડી રહ્યો છે. ત્યારે તહેવારોની સિઝનમાં રેલવેના માધ્યમથી મુસાફરી કરતાં લોકોને ખિસ્સાનું ભારણ વધી રહ્યું છે. અમદાવાદ વેસ્ટર્ન રેલવે દ્વારા રેલવે સ્ટેશન માટે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં તોતિંગ 200%નો વધારો ઝીંકવામાં આવ્યો છે. અત્યાર સુધી લોકોએ પ્લેટફોર્મ ટિકિટ માટે 10 રૂપિયા ચૂકવવા પડતા હતા પરંતુ હવે તેમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યા છે.
વેસ્ટર્ન રેલવે હેઠળ આવતા અમદાવાદ સ્ટેશન માટે પ્લેટફોર્મ ટિકિટના નવા દર 30 રૂપિયા છે. દર વર્ષે સામાન્ય રીતે પ્લેટફોર્મ ટિકિટના ભાવ 100-150% વધતા હોય છે પરંતુ આ વર્ષે માંગ અને બુકિંગને જોતા તંત્રએ દિવાળીની સીઝન માટે 30 રૂપિયા પ્લેટફોર્મ ટિકિટ કરી છે.
આ પણ વાંચો : મેટ્રોમાં મુસાફરી કરવી હોય તો ભુલી જાવ મોબાઈલ કનેક્ટિવીટી
ટ્રેનોના ભાડા પણ વધ્યાં
આ ઉપરાંત ભારતીય રેલવેએ દેશની 130 મેલ-એક્સપ્રેસ ટ્રેનોને સુપરફાસ્ટનું ટેગ આપીને તમામ શ્રેણીઓના ભાડામાં જંગી વધારો કરી દેવાયો છે. ટ્રેનોના એસી-1 અને એક્ઝિક્યુટીવ શ્રેણીમાં 75 રૂપિયા પ્રતિ મુસાફર, એસી-2,3, ચેરકારમાં 45 રૂપિયા અને સ્લીપર શ્રેણીમાં 30 રૂપિયા પ્રતિ યાત્રી ભાડુ વધારી દેવાયુ છે.
આ પ્રકારે મુસાફરને એક પીએનઆરની બુકિંગમાં એસી-1માં 450 રૂપિયા, એસી-2,3 માં 270 અને સ્લીપરમાં 180 રૂપિયા મુસાફરને વધારાની ચૂકવણી કરવી પડશે. આ વ્યવસ્થા એક ઓક્ટોબરથી લાગુ કરી દેવાઈ છે.