બનાસકાંઠા : વિધાનસભા ચૂંટણી પહેલા બનાસકાંઠા કોંગ્રેસનું માળખું જાહેર
પાલનપુર: ગુજરાત રાજ્યની આગામી વિધાનસભાની ચૂંટણી હવે નજીકમાં જ છે. તેની જાહેરાત પણ કદાચ થોડા દિવસમાં થવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે. ત્યારે દશેરાના દિવસે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસનું માળખુ જાહેર કરવામાં આવ્યું છે.
જેની યાદી બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ એમ. વાઘેલા ને મોકલવામાં આવી છે. આ યાદી અનુસાર બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પદ માટે 31 સભ્યો, જ્યારે મહામંત્રી ના પદ માટે 26 સભ્ય, એક ખજાનચી અને બે પ્રવક્તા ના નામ જાહેર કરાયા છે. જ્યારે જિલ્લાની કારોબારી સમિતિમાં 93 જેટલા કોંગ્રેસના આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જિલ્લા સંકલન અને પરામર્શ સમિતિમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણી અને બનાસકાંઠા જિલ્લાના વર્તમાન ધારાસભ્ય સહિત કોંગ્રેસના 32 જેટલા સિનિયર આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ ચૂંટણી પહેલા કોંગ્રેસ હવે હોદ્દા આપીને સક્રિય થવા માંડી છે.