વિશ્વવિખ્યાત સાળંગપુર ધામમાં હવે ટૂંક જ સમયમાં ભક્તોને નવું નજરાણું માણવા મળશે. અહીં આજથી 15 દિવસ પછી હનુમાનજીની 54 ફૂટ ઊંચી પંચધાતુની મૂર્તીના દર્શન કરવા મળશે. હરિયાણાના માનેસરમાં દાદાની મૂર્તિ બનીને તૈયાર થયા બાદ તેના બે પાર્ટ 1 હજાર 33 કિલોમીટરનું અંતર કાપીને એક મોટા ટ્રકમાં સાળંગપુર પોહચાડવામાં આવ્યા છે. દાદાની મૂર્તિના બે મોટા પાર્ટ સાળંગપુર આવી પહોંચતાં મંદિરના સંતોએ મંત્રોચ્ચાર સાથે પૂજા કરીને સ્વાગત કર્યું હતું.
અત્યારે દાદાની મૂર્તિના ચરણવિંદ 18 ફૂટ ઊંચા બેઝ પર લગાવી દેવામાં આવ્યા છે. મહત્ત્વનું છે કે, સાળંગપુરમાં અત્યારે 1 લાખ 35 હજાર સ્ક્વેર ફૂટમાં આકાર લઈ રહેલાં કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટનું 70 ટકાથી વધુ કામ અત્યારે પૂર્ણ થઈ ગયું છે. દિવાળી પહેલાં દાદાની મૂર્તિ અહીં અલગ-અલગ સ્ટેપમાં પ્રસ્થાપિત થઈ જશે. જેનું લોકાર્પણ ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરે તેવી પ્રબળ શક્યતા છે.
સાળંગપુર મંદિરના શાસ્રી હરિપ્રકાશદાસ સ્વામીએ આ અંગે વાત કરતાં જણાવ્યું કે, ”હનુમાનજીની 54 ફૂટ ઊંચી મૂર્તિનું લોકાર્પણ વડતાલ ગાદીના આચાર્ય અને સંતો દ્વારા કરશે તેવી નક્કી કર્યું હતું. આ પછી અમે બધા સંતોએ વિચાર્યું કે, PM નરેન્દ્ર મોદી દાદાની વિશાળ મૂર્તિનું લોકાર્પણ કરે. આ માટે અમને PMO માંથી કન્ફર્મેશન પણ આવી ગયું છે. ત્યાંથી અમને ટૂંક જ સમયમાં તારીખ પણ જણાવશે.” 370 કારીગરો દિવસના 18-18 કલાક કામ કરે છે.
કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટની વિશેષતાઓ
અહીં અત્યારે 370 કારીગરો દિવસના 18-18 કલાક કામ કરી રહ્યા છે. 54 ફૂટની દાદાની મૂર્તિ 18 ફૂટ ઊંચા બેઝ પર દક્ષિણ મુખે સ્થાપિત કરાવાશે. બેઝની વૉલ પર દાદાનું જીવનચરિત્ર દર્શાવતી મ્યુરલ કંડારાશે. આ ઉપરાંત બેઝ પર સાળંગપુર ધામના ઈતિહાસના દર્શન પણ થશે. બેઝ પર દાદાની પરિક્રમા 754 ફૂટ લાંબી હશે.
આ પણ વાંચો: ગૃહરાજ્ય મંત્રીની દશેરા પર પથ્થરમારો કરનારાને ચેતવણી,”કાયદામાં રહો તો જ ફાયદામાં રહેશો”
દાદાની મૂર્તિની બરાબર સામે ચાર મોટા ગાર્ડન બનાવામાં આવશે. જેમાં 12 હજારથી વધુ લોકો એક સાથે આરામથી બેસી શકશે. અહીં ગાર્ડન બનાવવા માટે રાજકોટથી 60 હજાર કિલો જૈવિક ખાતર મંગાવવામાં આવ્યું છે. ગાર્ડનમાં સોફ્ટ લોન ઉગાડવામાં આવશે અને તેની સાથે ગાર્ડનની ફરતે ચાર પ્રકારના 8,335 પ્લાન્ટ લગાવવામાં આવશે. આ ઉપરાંત ગાર્ડનમાં પરમેનન્ટ ઇરિગ્રેશન સિસ્ટમ લગાવવામાં આવશે. તેમજ 1500થી વધુ લોકોની ક્ષમતાવાળું એમ્ફિથિએટર બનાવામાં આવશે. અહીં લોકો લાઇટ અને સાઉન્ડ શૉનો અનેરો આનંદ માણી શકશે. આ પ્રોજેક્ટ આર્ટ અને આર્કિટેક્ટનો સુભગ સમન્વય છે. જેના દ્વારા અહીં હિન્દુ સંસ્કૃતિ અને ગૌરવની અનુભૂતિ થશે.
મૂર્તિ પર ભૂકંપના મોટા ઝટકાની પણ નહીં થાય અસર
દાદાની મૂર્તિની વિશેષતાની વાત કરીએ તો, મૂર્તિનું કુલ વજન 30 હજાર કિલો છે અને તેની અંદર પ્યોર સ્ટીલનું સ્ટ્રક્ચર બનાવાયું છે. મૂર્તિ બનાવવા માટે 3D પ્રિન્ટર, 3D રાઉટર અને CNC મશીનનો ઉપયોગ કરાયો છે તથા પંચધાતુની થિકનેસ 7 mm છે. દાદાની આ મૂર્તિ પર ભૂકંપના મોટા ઝટકાની જરાય અસર થશે નહીં અને દાદાની મૂર્તિ 5 હજાર વર્ષ સુધી અડિખમ રહેશે.
દાદાની વિશાળ મૂર્તિની ભવ્યતા
દાદાની ભવ્ય મૂર્તીની વાત કરીએ તો, મુખારવિંદ 6.5 ફૂટ લાંબુ અને 7.5 ફૂટ પહોળું છે. દાદાનો મુગટ 7 ફૂટ ઊંચો અને 7.5 ફૂટ પહોળો તેમજ ગદા 27 ફૂટ લાંબી અને 8.5 ફૂટ પહોળી છે. તો હાથ 6.5 ફૂટ લાંબા અને 4 ફૂટ પહોળા જ્યારે પગ 8.5 ફૂટ લાંબા અને 4 ફૂટ પહોળા છે. આ ઉપરાંત પગનાં કડાં 1.5 ફૂટ ઊંચા અને 3.5 ફૂટ પહોળાં તો હાથનાં કડાં 1.5 ફૂટ ઊંચા અને 2.5 ફૂટ પહોળાં છે. તથા આભૂષણ 24 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા છે.