ચૂંટણી પહેલાં ગરીબ કલ્યાણ મેળાનું રાજ્યવ્યાપી આયોજન : જીતુ વાઘાણીની જાહેરાત
રાજ્ય સરકાર દ્વારા ગરીબોના કલ્યાણ માટે દરવર્ષે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વખતે ચૂંટણીનું વર્ષ હોય અને ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં ગરીબોને તેમના લાભો મળી જાય, તેઓ હક્કથી વંચિત ન રહે તે માટે આગામી તા.૧૪ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ગરીબ કલ્યાણ મેળાનાં ૧૩માં તબક્કાનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તા.૧૪મી ઓક્ટોબરે તાપીથી અને તા.૧૫મી ઓક્ટોબરે ગીર સોમનાથથી રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ કરાવશે. તેમાં રાજ્ય સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી છે.
આ પણ વાંચો : મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી ચોમાસાએ લીધી વિદાય, હજુ આ વિસ્તારમાં પડી શકે છે વરસાદ
12 તબક્કા થકી અત્યાર સુધીમાં 1567 મેળા થકી રૂ.1.65 કરોડની સહાય
પ્રવક્તા મંત્રી વાઘાણીએ કહ્યુ છે કે, રાજ્ય સરકારની વિવિધ વ્યકિતલક્ષી સહાયના લાભો ગરીબ કલ્યાણ મેળાના માધ્યમ દ્વારા લાભાર્થીઓને એક જ સ્થળે પુરા પાડવા અને જરૂરિયાતમંદોને લાભો પહોંચે તે માટે વચેટિયાઓને દૂર કરી સીધા પારદર્શી રીતે લાભો મળી રહે તે હેતુસર વર્તમાન વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૯-૧૦થી ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવી આ નવતર અભિગમ વિકસાવ્યો હતો. અત્યાર સુધી ૧૨ તબક્કાઓનું આયોજન થઈ ચૂક્યું છે. જેમાં કુલ ૧૫૬૭ ગરીબ કલ્યાણ મેળાઓ થકી ૧.૬૫ કરોડ લાભાર્થીઓને રૂ. ૩૪,૫૯૬ કરોડથી વધુ રકમની સાધન-સહાય પૂરી પાડવામાં આવી છે.
આ પણ વાંચો : આવતીકાલે દશેરા પહેલા જાણી લો સોના ચાંદીના ભાવ, આજે ભાવમાં થઈ રહ્યો છે ઘટાડો
આ વર્ષે 33 જિલ્લાઓમાં 37 મેળાઓનું આયોજન
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ ૧૩માં તબક્કામાં લાભાર્થીઓ-દરિદ્રનારાયણને કરોડો રૂપિયાના સાધન-સહાય અને વ્યક્તિગત સહાયનું રાજ્યવ્યાપી વિતરણ થવાનું છે. ૩૩ જિલ્લાઓમાં ૩૭ ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાઓમાં અપાતી સાધન સહાયમાં મળતા સાધનો ગુણવત્તાયુક્ત પુરા પાડવામાં આવે તેની ખાસ તકેદારી રાખવા મુખ્યમંત્રી કક્ષાએથી સંબંધિતોને સુચનાઓ આપવામાં આવી છે.