બનાસકાંઠા : જૂના નેસડામાં જૈન મુનિના પગરણ થયાને 400 બાળકોએ ‘ચા’ છોડી, તો ગામે દારૂને ગામવટો આપ્યો
- બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવવા જૈન મુનિનો ભિષ્મ પુરુષાર્થ
- આનંદ મંડળ થકી સંસ્કાર યાત્રાને આગળ ધપાવાશે
પાલનપુર : ડીસા તાલુકાનું જૂના નેસડા એક એવા ગામની છાપ ધરાવતું હતું કે, જ્યાં દારૂના પીઠા ધમધમતા હતા. આજે આ ગામ જિલ્લામાં પ્રેરણાદાયી બન્યું છે. ગામમાં એક જૈન મુનિના પગરણ થયા અને ગામના અનેક લોકોમાં પરિવર્તન જોવા મળ્યું છે. આ ચોમાસામાં ચાતુર્માસ માટે પૂજ્ય મુનિરાજ જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબના પગરણ થયા અને જુના નેસડાને દૂષિત કરતા દૈત્યોને ગામવટો મળી ગયો. આજે આ ગામ દારૂ મુક્ત બન્યું છે. એટલું જ નહીં આ ગામ અને આજુબાજુની શાળામાં અભ્યાસ કરતા 400 બાળકોએ ‘ચા’ છોડી દીધી છે. સાથે સાથે સોપારી, પાન-મસાલા કે બહારનો કોઈપણ નાસ્તો પણ પેટમાં નહીં પધરાવવાનો સંકલ્પ પણ તેઓ લઈ ચૂક્યા છે.
જૂના નેસડામાં આગમ વિશારદ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજા ના શિષ્ય રત્નો પૂજ્ય ગણીવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરત્ન વિજયજી મહારાજ સાહેબ ચાતુર્માસ માટે બિરાજમાન છે. દરરોજ મુનિશ્રીનું પ્રવચન ગ્રામજનોના માનસને એક સાચી સમજણ સાથે ગામમાં પ્રવર્તતા દુષણો અને કુરિવાજોને દૂર કરવા માટે પ્રભાવશાળી બન્યું હતું. તો ગામના બાળકોમાં સંસ્કારનું સિંચન થાય તે માટે 111 સભ્યો ધરાવતા આનંદ મંડળની પણ રચના કરવામાં આવી હતી.
બાળકોની સુષુપ્ત શક્તિઓ ખીલઈ ઉઠી
જૈન મુનિશ્રી જ્ઞાનરક્ષિત મહારાજ સાહેબ દ્વારા શાળા અને ગામના બાળકોમાં સંસ્કારનું સિંચન થાય તે માટે નિબંધ સ્પર્ધા યોજી હતી. નાટકોનું સર્જન પણ કરાવ્યું, સંસ્કારશાળો કરવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ગામ સ્તર અને શાળા સ્તર એમ બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. જ્યારે બાળકોને જીદ ના કરો, વસ્તુ વગર ચલાવતા શીખો, ઓછી જરૂરિયાતથી જીવન જીવતા શીખો, જેવા વિષયો ઉપર નિબંધ લખવા માટે આપ્યા હતા. જેમાં બાળકોએ અદભુત શબ્દ દેહ દ્વારા પોતાની આંતરિક સૂઝનો ગજબનો અનુભવ કરાવ્યો હતો. સ્વયં જીવનમાં પણ પરિવર્તન લાવ્યું હતું.
બાળકોએ લખેલા નિબંધના કેટલાક અંશ
- અલકા : કોઈ વસ્તુઓ વગર ચાલતું નહીં, પ્રયોગથી આચરણ કરતા શીખી, જીદ છોડી, જરૂરીયાત મુજબ ચલાવતા શીખી, પ્રયોગ ઠંડી લહેર બનીને આવ્યા
- પાયલ : જીવનમાં જાતે ભૂલો કરી નુકસાન કરતી હતી. નિબંધ થી આત્મચિંતનનો અવસર મળ્યો
- મનીષા : માતા -પિતાના આશીર્વાદ લેવાનું શરૂ કર્યું તો તેમને મારા ઉપર વધુ પ્રેમ હોવાનો અનુભવ કર્યો
- કિંજલ : માતા-પિતાને પગે લાગવાનું શીખી, તો અનેક સંકટ દૂર થયા
- સીતા : ગુરુજીની હાજરી સુરજ જેવી હોય છે. સૂરજ ગરમ જરૂર થાય છે પરંતુ ના હોય તો અંધારું પણ છવાઈ જાય છે
સંસ્કારના આચરણ માટે માહોલ કેમ નહીં : મુનિ જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબ
રમત-ગમત માટે સ્પર્ધાત્મક માહોલ ઉભો કરાય તો સંસ્કારના આચરણ માટે કેમ માહોલ ઉભો કરાતો નથી? અમે જ્ઞાનવાચના, સંસ્કાર શાળા, નિબંધ સ્પર્ધામાં જે પ્રથમ આવે તેના માટે ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ આપવામાં આવે તેવું આયોજન કર્યું છે. આ પ્રોત્સાહન માટેનું મોડલ છે. જ્યારે ગામડામાંથી શહેર તરફનું સ્થળાંતર અટકાવવું છે. શહેરોમાં શહેરના વિચારો, સંસ્કૃતિ, મોજ- શોખ આવ્યા. અને માણસ સંસ્કારથી કુસંસ્કાર તરફ ઘસડાયો છે. ત્યારે બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવવો છે. ઉત્સવો ભવ્ય થાય છે પરંતુ તેની વચ્ચે માણસ અભવ્યતા અને હતાશા તરફ ઘસડાઈ ગયો છે. હવે માણસને ભવ્ય બનાવવો છે.
આ પણ વાચો : બનાસકાંઠા : વર્ષમાં બે વખત જ ખુલતું પાલનપુરનું નાગણેજી માતાનું મંદિર