ઉના : આ તે કેવું ? વેપાર ધંધો બંધ કરીને રાજકીય સભામાં જવાનું !
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે દરેક પાર્ટી પોતાનું જોર લગાવી રહ્યું છે. આ વચ્ચે સોમવારે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ગીર સોમનાથના ઉનામાં કાર્યક્રમ કરી રહ્યા છે તે પહેલાં જ વિવાદ સામે આવી રહ્યો છે. પાટીલના કાર્યક્રમ માટે ઉના શહેરના સર્વે વેપારીઓને સવારે 10 થી 1 પોતાના વ્યવસાય બંધ રાખી સભા સ્થળે મોટી સંખ્યામાં પહોંચવાની ફરજ પાડવામાં આવી રહી હોવાની વાત સામે આવી રહી છે.
આ પણ વાંચો : હવે કેજરીવાલે ગાયના મુદ્દે આપી ગેરન્ટી, જાણો શું કહ્યું ?
છેલ્લા ઘણાં સમયથી ચૂંટણી પ્રયાર અને કાર્યક્રમો માટે મોટી સંખ્યામાં ભીડ એકત્ર કરવા માટે તમામ રાજકીય પક્ષો પ્રયત્ન કરી રહ્યા છે. આ વચ્ચે ભાજપના પ્રદેશ અધ્યક્ષના કાર્યક્રમ માટે સ્થાનિક નેતાઓ દ્વારા વિવિધ નાના વેપારીઓ અને દુકાનદારોને પોતાની દુકાન બંધ રાખી સભા સ્થળે હાજર રહેવાની વાત કરતાં હોબાળો થયો છે.
વેપારીઓને એક તરફ નવરાત્રિ અને દિવાળીના તહેવારોમાં વેપાર વધી રહ્યો હોય તેવી સ્થિતિમાં રાજકીય પક્ષોની રેલીઓમાં ભીડ એકત્ર કરવા માટે આ રીતે સ્થાનિક નેતાઓ દ્વારા દબાણ કરવામાં આવતાં વિરોધનો સૂર વધી રહ્યો છે.
સૌરાષ્ટ્રના ઉના શહેરમાં ભાજપની સ્થિતિને મજબૂત કરવાના નામે કેટલાક સ્થાનિક નેતાઓ દ્વારા ચેમ્બર ઓફ કોર્મસ ઉના અને વેપારી સંગઠનો એકત્ર કરી આ પ્રકારની જાહેરાત કરી નાના વેપારીઓને ખોટી રીતે દબાણ કરવામાં આવ્યા હોવાની વાત સામે આવી રહી છે.