બાળકોમાં વધી રહી છે ફેટી લિવરની સમસ્યા, તેનાથી બચવા આ બાબતોનું ચોક્કસ ધ્યાન રાખજો
આજકાલ આપણી આસપાસમાં નજર કરીએ તો એકાદ વ્યક્તિ તો મેદસ્વી મળી જ આવે છે અને તેમાંય બાળકો આ સમસ્યાથી વધુ પીડાઇ રહ્યા છે. બેઠાળુ જીવન, આઉટડોર એક્ટિવિટીઝમાં ઘટાડો, સોશિયલ મીડિયાનો વધતો ક્રેઝ અને મોબાઇલમાં રમાતી ગેમ્સ તેમ જ હાઇ કેલરી અને ઓછાં પોષક તત્વોવાળો આહાર વધુ ખાવાથી બાળકોમાં મેદસ્વીતાની સાથે ફેટી લિવરની સમસ્યા વધી રહી છે. જો માતા-પિતાને મેદસ્વીતા, ડાયાબિટીસ હોય તો તો બાળકોમાં ફેટી લિવરનો ખતરો પણ વધી જાય છે.
આ પણ વાંચો : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કાલથી બે દિવસ ગુજરાત પ્રવાસે, જાણો શું છે આખો કાર્યક્રમ
બાળકોમાં થઇ રહેલી ફેટી લિવરની સમસ્યામાં લિવરની કોશિકાઓમાં ચરબી જમા થવા લાગે છે. તેના કારણે લિવર પર સોજો આવી જાય છે અને તેનો આકાર વધી જાય છે. ફેટી લિવરમાં થાક લાગવો, ભૂખ ન લાગવી, નબળાઇ, ઉબકા આવવા અને પેટમાં દુખાવાની પણ ફરિયાદ વધી જાય છે. આનુવંશિક કારણો સાથે ખરાબ જીવનશૈલી અને ખાણીપીણીમાં બેદરકારીને કારણે બાળકોમાં નોન ફેટી લિવરની સમસ્યા પણ વધી રહી છે. તેમાં આલ્કોહોલ વગર પણ લિવરમાં જરૂરિયાત કરતા વધુ ફેટ એકત્રિત થઇ જાય છે.
ગ્રોથ રોકાઇ જાય છે : લિવર લોહીમાં રહેલાં ઝેરી તત્વોને બહાર કાઢવાનું કામ કરે છે. લિવરની ગતિવિધિ રોકાતા બાળકોનો શારીરિક વિકાસ બાધિત થાય છે. લિવર ભોજનમાં રહેલા પોષકતત્વો, એન્ટીઓક્સિડેન્ટ,મિનરલ્સ, વિટામિન્સ વગેરેને અલગ કરે છે. જરૂરિયાત અનુસાર અંગોને પોષકતત્વો એબ્સોર્બ કરવામાં મદદ કરે છે. જેથી ફેટી લિવરની સમસ્યા થાય ત્યારે તે સંબંધિત અંગોને જરૂરી માત્રામાં પોષકતત્વો પહોંચાડી શકતું નથી. જેના કારણે શરીરમાં તકલીફો શરૂ થવા લાગે છે.
ફાસ્ટ ફૂડથી બચો : આજકાલ મોટા હોય કે નાના બાળકો બધાંને બહારના ચટાકા જ વધુ ગમે છે. ઘરનો સાદો અને સાત્વિક ખોરાક કોઈને ભાવતો નથી, સાથે જ આજકાલ મહિલાઓને પણ ઘરમાં ભોજન બનાવવાનું ગમતું નથી. આ કારણથી પણ લોકો બહારના ખોરાક તરફ વળ્યા છે. જંકફૂડમાં કેલરી વધુ અને પોષકતત્વો ખૂબ જ ઓછાં હોય છે. સાથે જ તેમાં હાઈજિનનું પણ ધ્યાન રાખવામાં આવતું નથી. તેમાં ઘણાં પ્રકારના સોલ્ટ અને પ્રિઝર્વેટિવ હોય છે. પ્રિઝર્વેટિવ યુક્ત સોસ ખાવાથી વજન અને કોલેસ્ટ્રોલ વધે છે. બાળકોને તેમના ડાયેટ કરતા વધુ ન ખવડાવો. લીલાં પાનવાળા શાકભાજી અને સીઝનલ ફ્રૂટ્સ વધુ ખવડાવો. વધારે પડતો ખોરાક ખાવાથી મેદસ્વીતા વધે છે અને ભૂખ પણ વધુ લાગે છે, તેને ક્રેવિંગ કહેવાય છે. આ કારણે બાળકો ઇન્સ્ટન્ટ અને કેલરી વધે તેવા ફૂડ્સ વધુ ખાવાનું પસંદ કરે છે. બાળકોને ઘરે જ તેમને ભાવે એવા હેલ્ધી ખોરાક ખાવાની ટેવ પાડો. સાથે જ તેઓ પ્રોપરલી પાણી પીવે છે કે નહીં તેના પર પણ નજર રાખો.