કોયલા ડુંગર પર વિરાજમાન હરસિદ્ધિ માતાનું અનેરું મહાત્મય !
માતા સતીના જ્યાં-જ્યાં અંગ પડ્યા, ત્યાં શક્તિપીઠના રુપમાં સ્થાપના થઈ. ધર્મગ્રંથોમાં કુલ 51 શક્તિપીઠોની માન્યતા છે. આ શક્તિપીઠોમાં એક માતા હરસિદ્ધિ છે. અહીં માતા સતીની કોણી પડી હતી. તેમનું મંદિર મઘ્યપ્રદેશના ઉજ્જૈન અને ગુજરાતના દ્વારકા બન્ને જગ્યાએ આવેલું છે. માતાની સવારની પૂજા ગુજરાતમાં અને રાતની પૂજા ઉજૈનમાં થાય છે. માતાનું મૂળ મંદિર ગુજરાતના દ્વારકામાં આવેલું છે. અહીથી જ મહારાજ વિક્રમાદિત્ય તેમને પ્રસન્ન કરીને પોતાની સાથે ઉજ્જૈન લઈ ગયા હતા. આ વાતનું પ્રમાણ છે કે બન્ને દેવીઓનો પૃષ્ઠ ભાગ એક જેવો છે.
જામનગર જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના હર્ષદ (ગોંધવી) મુકામે આવેલાં હરસિદ્ધિ માતાના મંદિરનું અનેરું મહાત્મ્ય છે. કોયલા ડુંગરની ટોચે અને ડુંગરની તળેટીમાં એમ બંને જગ્યાએ માતાજીનાં મંદિરો છે, જેનાં દર્શન કરી દરરોજ હજારો ભક્તો કૃતકૃત્ય થાય છે. આ બંને મંદિરો સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે.
શ્રીકૃષ્ણ ભગવાનનાં કુળદેવી કહેવાતાં હરસિદ્ધિ માતાનું કોયલા ડુંગર પર પ્રાગટ્ય કેવી રીતે થયું તેની કથા એવી છે કે બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે ભગવાન શ્રીકૃષ્ણએ તેમનાં કુળદેવી હરસિદ્ધિ માતાની કોયલા ડુંગર પાસે પૂજા-અર્ચના કરી. શ્રીકૃષ્ણની ભક્તિથી પ્રસન્ન થયેલી માતા કોયલા ડુંગર પર પ્રગટ થયાં અને શ્રીકૃષ્ણને કહ્યું કે તમે તો ત્રિભુવનના નાથ છો, સર્વશક્તિમાન છો, છતાં મને કેમ યાદ કરી? ત્યારે શ્રીકૃષ્ણએ માતાને વિનંતી કરી કે બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે મારે તમારી સહાયતાની જરૂર છે.માતાજીએ વચન આપ્યું કે ‘જ્યારે તમે છપ્પનકોટિ યાદવો સાથે શંખાસુરને હણવા જશો ત્યારે દરિયા કિનારે ઊભા રહીને મારું સ્મરણ કરશો ત્યારે હું તમને મદદ કરવા આવી પહોંચીશ. માતાજીના આશીર્વચન પ્રાપ્ત થતાં છપ્પનકોટિ યાદવો અને શ્રીકૃષ્ણએ મળીને કોયલા ડુંગરની ટોચ પર હરસિદ્ધિ માતાનું સ્થાપન કર્યું. કોયલા ડુંગરની ટોચ પર આવેલા મંદિરે જવા માટે ૪૦૦ જેટલાં પગથિયાં છે અને ઉપર પહોંચીને દર્શન કરનારને માતાજીનાં દર્શનની સાથે પ્રકૃતિનું પણ અનેરું સ્વરૂપ જોવા મળે છે, કારણ કે તળેટીમાં અરબી સમુદ્ર દૃષ્ટિમાન થાય છે. ટોચ પરથી માતાજી નીચે કેવી રીતે આવ્યાં તેની પણ પૌરાણિક કથા ભારે રસપ્રદ છે.
એક એવી લોકવાયકા હતી કે દરિયામાં વેપારઅર્થે નીકળતાં વહાણ જ્યારે કોયલા ડુંગર પાસે માતાજીના મંદિરની સન્મુખ આવે ત્યારે તેમનું સ્મરણ કરીને દરિયામાં નાળિયેર પધરાવવું પડતું, જેથી તેમની આગળની મુસાફરી નિર્વિઘ્ને પાર પડે. એકવાર કચ્છના વેપારી જગડુશા તેમનાં સાત વહાણોમાં માલ ભરીને વેપારઅર્થે દરિયો ખેડવા નીકળ્યા પરંતુ તેઓ માતાજીની સન્મુખ આવતા આહુતિ આપવાનું ભૂલી ગયા એટલે તેમનાં છ વહાણ ડૂબી ગયાં.
આ પણ વાંચો: ચોટીલા: જાણો કેવી રીતે હવન કુંડમાંથી તેજ સ્વરૂપે પ્રગટ થયા મહાશકિત !
સાતમું વહાણ બચાવી લેવા માટે જગડુશાએ માતાજીને ભાવભરી પ્રાર્થના કરી, જેનાથી માતાજી પ્રસન્ન થયાં અને વરદાન માગવા કહ્યું. તે જ સમયે જગડુશાએ કહ્યું કે ‘માતાજી તમે ડુંગરની ટોચ પરથી તળેટીમાં પધારો અને આજ પછી કોઈનાં વહાણ ડૂબે નહીં તેવું કરો.’ માતાજીએ જગડુશાની કસોટી કરવા માટે કહ્યું કે ‘જો તું દરેક પગથિયે મને બલિ ચઢાવે તો હું નીચે આવું. જગડુશાએ માતાજીની શરત માન્ય રાખી અને દરેક પગથિયે એક એક પશુનો બલિ આપતા ગયા, પણ છેલ્લાં ચાર પગથિયાં બાકી હતાં ત્યારે બલિ ખૂટી ગયા એટલે જગડુશાએ પોતાના દીકરા, બે પત્નીઓનો બલિ આપ્યો અને છેલ્લા પગથિયે પોતાનો બલિ આપ્યો. આખરે માતાજી તેમની ભક્તિથી પ્રસન્ન થયાં અને જગડુશા, તેમનો દીકરો, બંને પત્નીઓ તથા તમામ બલિઓને સજીવન કર્યા અને જગડુશાએ માતાજીનું મંદિર ડુંગરની તળેટીમાં બંધાવ્યું. આજે પણ આ મંદિરનું ભારે મહાત્મ્ય છે.રાજા વિક્રમાદિત્ય માતાના પરમ ભક્ત હતા. તેઓ દર બાર વર્ષે એક વખત માથું કાપીને માતાના ચરણો અર્પણ અર્પણ કરતા હતા. પણ માતાની કૃપાથી તેમનું માથું ફરી જોડાઈ જતું હતું. આવું રાજાએ 11 વખત કર્યું. બારમી વખત જ્યારે રાજાએ પોતાનું માથું માતાના ચરણોમાં ચઢાવ્યું તો તે જોડાઈ શક્યું નહીં. આ પછી તેમનું જીવન સમાપ્ત થઈ ગયું. આજે પણ માતાના મંદિરમાં 12 સિંદૂર લાગેલા માથા છે. માન્યતા છે કે આ રાજા વિક્રમાદિત્યના કપાયેલા માથા છે.
આ પણ વાંચો: નવરાત્રીના ચોથા નોરતે જાણો માતા ભદ્રકાળીનો મહિમા !
આજે પણ ઉજ્જૈનમાં માતાની આરતી સાંજના સમયે થાય છે અને સવારના સમયે ગુજરાતમાં થાય છે. ઉજ્જૈનમાં હરસિદ્ધિ માતાનું મંદિર મહાકાલેશ્વર મંદિરના પાછળ પશ્ચિમ દિશામાં સ્થિત છે. બન્ને મંદિરોની વચ્ચે એક માનતા છે, તે છે પૌરાણિક રુદ્રસાગર. બન્ને મંદિરોના ગર્ભગૃહમાં માતા શ્રીયંત્ર પર બિરાજમાન છે.