ટ્રેન્ડિંગનેશનલવિશેષ

કુનો નેશનલ પાર્કમાં દક્ષિણ આફ્રિકાથી લવાશે વધુ 12 ચિત્તા

Text To Speech

આ વર્ષના અંત સુધીમાં મધ્યપ્રદેશના કુનો-પાલપુર નેશનલ પાર્કમાં વધુ 12 ચિત્તા લાવવામાં આવી શકે છે. આ ચિત્તાઓને દક્ષિણ આફ્રિકાથી ભારતમાં લાવવામાં આવશે. આ માટે કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં નવા ચિત્તાઓ માટે ખાસ બિડાણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મધ્યપ્રદેશના વન વિભાગના મુખ્ય સચિવ અશોક બરનવાલે જણાવ્યું હતું કે, “હાલમાં આ સંદર્ભે દક્ષિણ આફ્રિકા અને ભારત સરકાર વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવા માટે વાટાઘાટો પ્રારંભિક તબક્કામાં છે. એકવાર સમજૂતી થઈ જાય અમે ચિત્તાઓને સ્થાનાંતરિત કરવાની પ્રક્રિયા શરૂ કરીશું.

દક્ષિણ આફ્રિકાના પ્રતિનિધિમંડળે કુનો પાર્કની મુલાકાત લીધી

રાજ્યના વન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે દક્ષિણ આફ્રિકાનું પ્રતિનિધિમંડળે કુનો પાર્કની મુલાકાત લીધી હતી અને તેઓને અહીનું વાતાવરણ ચિત્તાઓ માટે ગમ્યું હતું. આ પ્રતિનિધિમંડળ કુનો પાર્કમાં ચિત્તાઓ માટેના ખાસ બિડાણની સમીક્ષા કર્યા પછી દક્ષિણ આફ્રિકાની સરકારને અહેવાલ સુપરત કરે તેવી અપેક્ષા છે. આ પછી દક્ષિણ આફ્રિકાની સરકાર 4 ઓક્ટોબરે યોજાનારી બેઠક બાદ ચિત્તાઓને ભારત મોકલવા અંગે અંતિમ નિર્ણય લેશે. જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકાના ચાર સભ્યોના પ્રતિનિધિમંડળે સપ્ટેમ્બરમાં કુનો નેશનલ પાર્ક અને તેની આસપાસના રણથંભોરની મુલાકાત લીધી હતી. તેમને ભારતમાં ચિત્તાઓને જીવવા માટેના સાનુકૂળ વાતાવરણથી વાકેફ કરવામાં આવ્યા હતા. વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (WII)ના ડીન વાયવી ઝાલાએ જણાવ્યું હતું કે, “દક્ષિણ આફ્રિકાના પ્રતિનિધિમંડળે જોયું કે ચિત્તાઓ અહીં સાનુકૂળ વાતાવરણમાં યોગ્ય પરિસ્થિતિમાં જીવે છે.

શ્યોપુર જિલ્લામાં ચિત્તા વિશે જાગૃતિ અભિયાન

કુનો-પાલપુર રાષ્ટ્રીય ઉદ્યાન શ્યોપુર જિલ્લામાં આવેલું છે. આ કારણે પ્રશાસન ચિત્તા વિશે મોટાપાયે જાગૃતિ અભિયાન શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ આ જાગૃતિ અભિયાન માટે ઓક્ટોબરના મધ્યમાં શ્યોપુરની મુલાકાત લઈ શકે છે. તમને જણાવી દઈએ કે 17 સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના શ્યોપુરમાં કુનો નેશનલ પાર્કમાં આફ્રિકન દેશ નામીબિયાથી ભારતમાં લાવવામાં આવેલા આઠ ચિત્તાઓને છોડ્યા હતા. 70 વર્ષ બાદ ચિત્તા દેશમાં પરત ફર્યા છે.

Back to top button