બનાસકાંઠા : ગૌ આંદોલન કેવી રીતે સમેટાયું? જાણો…
પાલનપુર: બનાસકાંઠા જિલ્લો કૃષિ અને પશુપાલન પર નિર્ભર છે. અહીંયા હવે પશુપાલન મુખ્ય વ્યવસાય બની ગયો છે. જ્યારે જિલ્લામાં 170 ગૌશાળા અને પાંજરાપોળમાં ૮૦ હજારથી ઉપરાંત પશુઓનો નિભાવ થઈ રહ્યો છે. ત્યારે આ પશુઓના નિભાવ માટે માર્ચ 2022 માં સરકારે મુખ્યમંત્રી ગૌપોષણ યોજના અમલમાં મૂકી હતી. અને બજેટમાં રૂ.500 કરોડની જોગવાઈ કરી હતી. જોકે આ જોગવાઈ અને જાહેરાત બાદ 6 માસનો સમય વીતી ગયો હતો. પરંતુ સહાય ગૌશાળાના સંચાલકો સુધી પહોંચી નહતી. તેમજ સરકાર મગનું નામ મરી પણ પડતી ન હતી.
ગૌ સેવકોની ધીરજ ખુટી
સમય વીતતો ગયો હતો. અનેક રજૂઆતો ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો અલગ અલગ જગ્યાએ કરીને થાકી ગયા હતા. છેવટે ઉગ્ર આંદોલનની શરૂઆત થઈ હતી.જિલ્લામાં ઠેર ઠેર આવેદનપત્રો અપાયા હતા. અને કેટલાક ગૌસેવકોએ અન્નનો ત્યાગ કરી ગાયો માટે આમરણ ઉપવાસ શરૂ કરી દીધા હતા.
આંદોલન ઉગ્ર બની ગયું
પાંજરાપોળ અને ગૌશાળાઓના સંચાલકોની એક બેઠક મળી હતી. અને પશુઓને સરકારી કચેરીઓમાં છોડી મૂકવાનો નિર્ણય લીધો હતો. જેમાં ગત શુક્રવારે રોડ પરથી ગાયો સરકારી કચેરી સુધી હંકારીને લઈ જવામાં આવી હતી. આ માત્ર બનાસકાંઠા જ નહીં કચ્છમાં પણ આંદોલન શરૂ થઈ ગયું હતું. જ્યારે ડીસામાં ધરણાં સ્થળે હવન અને મુંડન જેવા કાર્યક્રમ ગૌ સેવકોએ આપ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદને મેટ્રો ઉપરાંત પીએમ મોદીએ આપી બીજી પણ ભેટો, જાણો તમામ માહિતી
ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો
એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરે શુક્રવારના રોજ અંબાજી ખાતે આવી રહ્યા હતા.નબીજી તરફ લાખણી ના ગેળામાં બેઠક મળી હતી અને ગૌ અધિકાર સંકલ્પ યાત્રા યાત્રાધામ ઢીમા ગામથી નીકળવાનું ઠરાવવામાં આવ્યું હતું. જેમાં આ સંકલ્પ યાત્રા વિધાનસભા મત ક્ષેત્રોમાં ફરી અને ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે લોકોને આહ્વાન કરવાનો નિર્ણય લેવાયો હતો.
મધ્યસ્થી માટે એડિશનલ ડીજીપીની એન્ટ્રી
વડાપ્રધાનના અંબાજી ખાતેના કાર્યક્રમમાં બનાસકાંઠામાંથી 5,000 ગૌસેવકો રજૂઆત માટે જવાના હતા. જેમને કિસાન સંઘ અને કરણી સેનાનું પણ સમર્થન પ્રાપ્ત થયું હતું. આ સમય દરમિયાન એડિશનલ ડીજીપી આર.બી. બ્રહ્મભટ્ટ વડાપ્રધાનની અંબાજીની મુલાકાતના એક દિવસ અગાઉ બનાસકાંઠા દોડી આવ્યા હતા. જેમની સંતો- મહંતો તેમજ સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી. બેઠકની સમગ્ર બાબત ઉચ્ચ કક્ષાએ ધ્યાને મૂકવામાં આવી હતી. અને રાજ્ય સરકાર 24 કલાકમાં આ માટે નિર્ણય લેશે તેવું શાન્તવન આપવામાં આવ્યું હતું. જોકે મોડી સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે મુખ્યમંત્રી ગૌ પોષણ યોજના લોન્ચિંગ કરવામાં આવશે, તેવું સરકારી સૂત્રોએ જાહેર કરી દીધું હતું. જેથી અંબાજી જઈ ગૌ સેવકો દ્વારા વિરોધનો કાર્યક્રમ પડતો મૂકવામાં આવ્યો હતો.
રાત્રે કરાઈ આતશબાજી
ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો દ્વારા છેલ્લા 20 દિવસથી સતત ચાલી રહેલા આંદોલનમાં એડિશનલ ડીજી આર.બી. બ્રહ્મભટ્ટના સક્રિય પ્રયાસો બાદ આંદોલનનો સુખદ અંત આવ્યો હતો. જેને લઇને ગૌભક્તોમાં ખુશીની લહેર પ્રસરી હતી. અને સાઈબાબા મંદિર ચોકમાં સરકારના નિર્ણયને વધાવ્યો હતો.
આ પણ વાંચો: એમ્બ્યુલન્સમાં નકલી નોટો, ફિલ્મી કહાનીને ટક્કર મારે તેવી સ્ટોરી !