કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટ શહેર-જિલ્લામાં મતદાનનાં દિવસે થશે ખાસ ‘વેબ કાસ્ટિંગ’

Text To Speech

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર ઇવીએમ, બૂથ, મતદાન સાહિત્ય, સ્ટાફ સહિતની કામગીરીમાં લાગી ગયુ છે. બીજી તરફ જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુએ પત્રકારોને જણાવ્યું હતુ કે, રાજકોટ શહેર-જિલ્લાના 2253માંથી 50% બૂથનું મતદાનના દિવસે વેબકાસ્ટિંગ કરાશે એટલે કે, વલ્નેરબલ, ક્રિટિકલ બૂથમાં અગાઉ છેલ્લા પંદર વર્ષમાં કયા બૂથ ઉપર બૂથ કેપ્ચરિંગ, મારામારી, બોગસ મતદાન સહિતના બનાવો નોંધાયા હોય તેવા વિસ્તારોના બૂથ અલગ તારવી તેની ક્રિટિકલમાં ગણના કરવામાં આવે છે આવા બૂથ કે, મતદાન મથકો ઉપર અનિચ્છનિય બનાવ બને તો તેના ઉપર ચૂંટણીપંચ તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી બાજ નજર રાખી શકે.

વેબ કાસ્ટિંગથી ચૂંટણી પંચ બૂથ ઉપર રાખી શકશે નજર

અત્રે એ ઉલ્લેખનિય છે કે, રાજકોટ શહેર-જિલ્લાના એક હજારથી વધારે મતદાન મથક (બૂથ) ઉપર મતદાનના દિવસે ‘વેબ કાસ્ટિંગ’ કરાશે એટલે કે મતદાન શરુ થયા બાદ સાંજે પૂર્ણ થાય ત્યાં સુધી બૂથના સ્ટાફ, મતદાન, મતદાન કેન્દ્ર તમામનું ‘લાઇવ વીડિયો શુટિંગ’ કરી તેનું પ્રસારણ રાજ્ય ચૂંટણીપંચ જોઇ શકે તેવી વ્યવસ્થા કરાશે. કલેકટર પણ કોન્ફરન્સ હોલમાં આવા બૂથના વેબકાસ્ટિંગના માધ્યમથી પ્રસારણ જોઇ શકશે.

કર્મચારીઓની રજાઓ રદ્દ, ખાસ કિસ્સામાં જ મંજૂરી મળશે

આ ઉપરાંત રાજકોટ જિલ્લાના 80 વર્ષથી વધુની ઉંમરના 54 હજાર મતદારો, 1560 દિવ્યાંગ મતદારોને પોસ્ટલ બેલેટ પેપરથી ઘરે બેઠા મતદાન કરી શકે તેવી આ વખતે વ્યવસ્થા કરવામાં આવી છે. કોઇપણ કર્મચારીની રજા મંજૂર નહીં થાય, સર્વગ્રાહી તપાસ બાદ યોગ્ય લાગશે તો જ રજા મંજૂર કરાશે. જ્યારે સગર્ભા અને વૃદ્ધ કર્મચારીને ચૂંટણીની કામગીરીમાં નહીં લેવાય, રાજકોટ જિલ્લામાં 17 પ્રકારના નોડલ અધિકારીઓની જુદી-જુદી કામગીરી માટે નિમણૂંક કરવામાં આવી છે. ટ્રાફિક સર્વેલન્સ, વેબ કાસ્ટિંગ ખર્ચ, વીડિયો વગેરેની અલગ ટીમ બનાવી તેના કર્મચારીઓને તાલીમ આપવાનું ટૂંકમાં શરુ કરાશે.

Back to top button