ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસા એરપોર્ટ પર પેસેન્જર વિમાન લેન્ડ થશે કે લડાકુ વિમાન?

Text To Speech
  • ડીસાનું એરપોર્ટ પેસેન્જર વિમાનો માટે ચાલુ રાખવાની માંગ
  • ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનને સાંકળતું એકમાત્ર એરપોર્ટ

પાલનપુર : સમગ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનને સાંકળતા એકમાત્ર ડીસા એરપોર્ટને હવે ડીસાના નાણી એરફોર્સ સ્ટેશનની સાથેસાથે ભારતીય વાયુદળ એટલે કે ઈન્ડિયન એરફોર્સને સોંપી ડેવલપમેન્ટ કરવાના નિર્ણયથી ડીસા સહિત બનાસકાંઠાની પ્રજામાં એક પ્રકારની નારાજગી જોવા મળી રહી છે. ડીસા એરપોર્ટ એરફોર્સને સોંપાય તો અહીં પેસેન્જર વિમાન ની જગ્યાએ યુદ્ધ જહાજો લેન્ડ થશે. અને પ્રજાને ભવિષ્યમાં મળનારી એરપોર્ટ કનેક્ટિવિટી છીનવાઈ જશે તેવી દહેશત વચ્ચે લોકો ડીસાને પેસેન્જર વિમાનોની સેવા મળે તેમ ઈચ્છી રહયા છે.

બ્રિટીશ રાજ એટલે કે, 1946માં આકાર પામેલું ડીસા એરપોર્ટ, એ જે-તે વખતના પશ્ચિમ ભારતના મધ્યકેન્દ્ર બિંદુ સમાન હતું. જ્યારે આ એરપોર્ટ તૈયાર થયું ત્યારે પાકિસ્તાનનું અસ્તિત્વ જ ન હતું. તેમજ ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા બે રાજ્યો પણ ન હતા. જેના કારણે ડીસા એરપોર્ટનું મહત્ત્વ એ દિવસોમાં પણ ખુબ હતું. પરંતુ આઝાદી પછી ભારત પાકિસ્તાનના ભાગલા પડતા પાકિસ્તાનની ગુજરાત સરહદ નજીક ડીસા એરપોર્ટ આવતા આ એરપોર્ટનું મહત્ત્વ પહેલા કરતા પણ વધી જાવ પામ્યું હતું. અંદાજીત 31 હેક્ટર એટલે કે 120 વિઘાથી વધુ જમીન ઉપર બનેલા આ એરપોર્ટનો જે-તે સમયે મોટાભાગે પાલનપુર નવાબના મિત્ર રાજ્યો જેવા કે બિકાનેર, અમૃતસર, કાશ્મીર, બરોડા,જયપુર, મુંબઈના રાજવીઓ વાર તહેવારે અવાર નવાર ડીસા એરસ્ટ્રીપનો ઉપયોગ કરતા હતા.

અગાઉ અંબિકા એર લાઇન્સ ચાલતી હતી

એરપોર્ટના નિર્માણ સમય દરમિયાન એટલે કે, 1946માં અંબિકા એરલાઈન્સ નામની કંપનીએ આ એરપોર્ટ ઉપર પોતાની પ્રથમ વિમાની સેવા શરૂ કરી હતી. જેમાં અમૃતસર, બિકાનેર, ભાવનગર અને મુંબઈની વિમાની સેવાઓ વાયા ડીસા શહેરમાં થવા પામી હતી. પરંતુ કોઈ કારણોસર ખુબ જ ટુંકા સમયગાળામાં આ એરલાઈન્સે પોતાની કામગીરી સ્થગિત કરી દીધી હતી. અંબિકા એરલાઈન્સથી શરૂ થયેલી સેવાનો લાભ ડીસાના ફર્સ્ટ ફેમીલી ગણાતા નગરશેઠ એવા લચ્છાજી હિન્દુજી માળી અને તેમના પરીવારે લગભગ દરરોજની પોતાની બેે સીટ એમ ડીસા-મુંબઈ વાયા ભાવનગર-વડોદરા એરલાઈન્સનો લાભ લીધો હતો. ત્યારબાદ આઝાદી પછી ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂએ 1964માં પણ પાકિસ્તાન સરહદ ઉપર જવા માટે આ એરસ્ટ્રીપનો ઉપયોગી કર્યો હતો.

પ્રવાસીય ઉડ્ડયન માટે સ્વ. બી. કે. ગઢવીએ રસ લીધેલો

સમયાંતરે ડીસા એરપોર્ટ એ એરસ્ટ્રીપ ન રહેતા રાજકીય ઉપયોગ માટે હોય તેમ વધુ ઉપયોગ શરૂ થવા પામ્યો હતો. બ્રિટીશ રાજમાં આકાર પામેલ ડીસા એરપોર્ટ એ સરકારી ભાષામાં એરસ્ટ્રીપ જ કહેવાય અને આ એરસ્ટ્રીપનો મહત્તમ ઉપયોગ તાત્કાલીક ઉભી થતી જરૂરીયાતમાં વધુ પડતો થાય તે માટે જ આ બનાવવામાં આવેલ છે. પરંતુ બનાસકાંઠાના તત્કાલીન સાંસદ અને કેન્દ્રીય મંત્રી સ્વ. બી. કે. ગઢવીએ આ એરસ્ટ્રીપને એરપોર્ટમાં ફેરબદલ કરાવી નાની અને ટુંકાગાળાની પ્રવાસીય ઉડ્ડયન શરૂ થાય તેવી દિશામાં સફળ થવાય તેવા પ્રયત્નો કર્યા હતા.

પરંતુ ત્યારબાદ જીલ્લાની સ્થાનિક નેતાગીરીમાં રસ જ ન રહેતા ડીસાનું એરપોર્ટ કહો કે એરસ્ટ્રીપ, ત્યારબાદ નધણીયાતું બની જવા પામ્યું હતું. આ સમયગાળામાં ડીસા તાલુકાના નાણી ગામે 1200 એકર જમીન એરફોર્સ ને ફાળવવામાં આવી હતી. જો કે આજ સુધી તેનો કોઈ વિકાસ થયો નથી. ત્યારે હવે નાણી એરફોર્સ અને ડીસા એરપોર્ટ બન્ને ભારતીય વાયુદળને સોંપી દેવાયા છે. અને રૂ.1000 હજાર કરોડના ખર્ચે તેના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદી શુક્રવારે અંબાજીથી કરશે. જેથી આ ડીસા એરપોર્ટ પર પેસેન્જર વિમાનોની એર કનેક્ટિવિટી બંધ થઈ જાય તેવી દહેશત છે.ત્યારે અહીં પેસેન્જર વિમાન શરૂ થાય તે માટે જિલ્લાના અગ્રણીઓ માંગ કરી રહયા છે. જો ડીસામાં પેસેન્જર વિમાનોની સેવા શરૂ થાય તો ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનની પ્રજાને લાભ મળે તેમ છેમ તેમજ ડીસાના બટાટા ઉદ્યોગને પણ ખૂબ જ વેગ મળે તેમ છે.

Back to top button