પોતાના અવાજથી દુનિયાભરમાં જાદૂ ફેલાવનાર લતા મંગેશકરની 93મી જન્મજયંતી…
દુનિયાભરમાં પોતાના અવાજનો જાદૂ ફેલાવનારા સ્વરકોકિલા લતા મંગેશકરનો આજે જન્મ દિવસ છે. આજે તેઓની 93મી જન્મજયંતી છે. આજનો દિવસ લતા દીદીની સાથે સાથે તેમના ફેન્સ અને બોલિવૂડ માટે પણ ઘણો ખાસ છે. સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર ભલે આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ તેમનાથી જોડાયેલી ઘણી વાતો આજે પણ યાદ કરવામાં આવે છે. લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929 ના રોજ થયો હતો.
લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. લતા મંગેશકરના પિતા દીનાનાથ મંગેશકર અને માતાનું નામ શેવંતી હતું.
લતા તેના ભાઈ-બહેનોમાં સૌથી મોટા છે. તેમના ભાઈ હૃદયનાથ મંગેશકર અને ત્રણ બહેનો આશા, ઉષા અને મીનાએ સંગીતની દુનિયામાં પોતાની ઓળખ બનાવી. જ્યારે લતા મંગેશકર અને આશા ભોંસલે હિન્દી ફિલ્મોમાં પ્લેબેક સિંગિંગની ટોચ પર હતા ત્યારે બંને બહેનો વચ્ચે સ્પર્ધાની ઘણી ચર્ચા હતી.
એક રિપોર્ટ્સ અનુસાર જ્યારે લતા મંગેશકર 33 વર્ષની હતા. ત્યારે તેમને સ્લો પોઈઝન આપવામાં આવ્યું હતું અને તેમની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એક ઈન્ટરવ્યુમાં લતા મંગેશકરે પોતે આ ઘટના વિશે જણાવ્યું હતું. તે જ સમયે, એવું પણ કહેવામાં આવ્યું હતું કે, તેમણે અને તેના પરિવારે આ બાબતે વાત કરી નથી કારણ કે તે તેના જીવનનો સૌથી ભયંકર તબક્કો હતો.
આ પણ વાંચો: આજે શહીદ ભગતસિંહની જન્મજયંતિ, જાણો ભગતસિંહના ક્રાંતિકારી વિચારો
તમને જણાવી દઈએ કે આ ઘટના વર્ષ 1963માં બની હતી અને આ સ્લો પોઈઝનની અસર લતા મંગેશકર પર એટલી હતી કે તેઓ પોતાના પલંગ પરથી માંડ ઉભા રહી શકતા હતા. લતા મંગેશકરે ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, તેમને સાજા થવામાં ત્રણ મહિનાથી વધુનો સમય લાગ્યો હતો અને આ દરમિયાન તેઓ બેડ પર જ રહ્યા હતાં. એવું પણ કહેવામાં આવ્યું હતું કે ડૉક્ટરોની સારવાર અને નિશ્ચયને કારણે તેમનું વાપસી શક્ય બન્યું છે.
લતા મંગેશકરને અયોધ્યાના સરયુ કાંઠે વિશેષ શ્રદ્ધાંજલિ
અયોધ્યાના સરયુ કાંઠે આવેલ નયા ઘાટ ચોક પર નિર્માણાધીન સ્વ કોકિલા લતા મંગેશકર ચોકમાં ૪૦ ફૂટ લાંબી વીણા સ્થાપિત કરવામાં આવી છે. લગભગ ૧૪ ટન વજનની વીણાની પ્રતિમાને ચોકના પ્લેટફોર્મ પર લગાવવા માટે ક્રેનની મદદથી લઈ જવી પડી હતી. હવે આ ચોક લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે, આ પ્રસંગે લતા મંગેશકર પરિવારના લોકો પણ હાજર રહેશે. અયોધ્યાના સાધુ સંતો અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. નવા ચોકનું નામ હવે લતા મંગેશકર ચોક તરીકે ઓળખવામાં આવશે.
સ્થાનિક રહેવાસી અમિત શર્માએ જણાવ્યું કે સુર કોકિલા લતા મંગેશકરજીએ ભગવાન શ્રી રામના ઘણા ગીતો ગાયા છે, તેમના નામ પર લતા મંગેશકર ચોકના નિર્માણ બાદ અયોધ્યામાં પર્યટનને પ્રોત્સાહન મળશે, તે અયોધ્યા માટે ઘણું સારું રહેશે.
સરયુ નદીના કિનારે આવેલા નવા ઘાટ વિસ્તારને ૭.૯ કરોડ રૂપિયાના અંદાજિત બજેટ સાથે લતા મંગેશકર ચોક તરીકે વિકસાવવામાં આવ્યો છે. સંબંધિત સ્થળનું મુખ્ય આકર્ષણ એ છે કે ત્યાં ભારતીય સંગીત વાદ્ય ‘વીણા’ સ્થાપિત કરવામાં આવ્યું છે, જેનું વજન ૧૪ ટન, લંબાઈ ૪૦ ફૂટ અને ઊંચાઈ ૧૨ મીટર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવંગત ગાયિકા લતા મંગેશકરને તેમની જન્મજયંતિ પર યાદ કરતા કહ્યું કે, મને ખુશી છે કે આજે અયોધ્યામાં એક ચોકનું નામ તેમના નામ પર રાખવામાં આવશે.