શ્રીલંકાના વડા પ્રધાન મહિન્દા રાજપક્ષેએ સોમવારે (9 મે, 2022) ના રોજ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. દેશ હાલમાં તેના ઈતિહાસના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. રાજપક્ષેના રાજીનામાથી નવા મંત્રીમંડળનો માર્ગ મોકળો થવાની શક્યતા છે.
શ્રીલંકાના અખબારે અહેવાલ આપ્યો છે કે થોડા દિવસો પહેલા, રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે, શુક્રવારે (6 મે, 2022) ના રોજ એક વિશેષ બેઠકમાં, દેશમાં ચાલી રહેલા રાજકીય સંકટને ઉકેલવા માટે વડા પ્રધાનને પદ છોડવા વિનંતી કરી હતી. હવે જ્યારે વડા પ્રધાને રાજીનામું આપી દીધું છે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રાષ્ટ્રપતિ રાજપક્ષે તમામ રાજકીય પક્ષોને સર્વપક્ષીય મંત્રીમંડળ બનાવવા માટે સંસદમાં આમંત્રિત કરી શકે છે.
વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ રાજપક્ષેએ લોકોને સંયમ રાખવાની અપીલ કરી છે. એક ટ્વીટમાં, તેમણે કહ્યું, “જ્યારે લાગણીઓ ખૂબ વધી રહી છે, ત્યારે આપણે યાદ રાખવાની જરૂર છે કે હિંસા માત્ર હિંસા પેદા કરે છે. આપણે જે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છીએ તેને આર્થિક ઉકેલની જરૂર છે
ઉલ્લેખનીય છે રાજીનામાંની વાત સાથે દેશભરમાં ભારે વિરોધ્ધ જોવામાં આવ્યો હતો. સવારથી રાજપક્ષે રાજીનામું આપશે અને તેના કારણે હિંસા ભડકશે તેવા અંદાજ માત્રથી સંપૂર્ણ શ્રીલંકામાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો હતો.