ગુજરાતના નર્મદા અને થરાદમાં ‘સુપોષણ’ની ધામધૂમથી ઉજવણી
સ્વસ્થ ભારતના નિર્માણ માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ સુપોષણ અંતર્ગત થઈ રહેલી સેવાકીય પ્રવૃત્તિઓથી અંતરિયાળ ગામોમાં અને સમુદાયમાં બદલાવ આવી રહ્યો છે. સરકાર અને ફાઉન્ડેશનના સહિયારા પ્રયાસથી સુપોષણ સંગીની બહેનો સઘન મહેનત કરી રહી છે. તેઓ ગ્રામ્ય લેવલે હેલ્થ, આઈ. સી.ડી.એસ વિભાગોના નર્સ, આશા બહેનો, અને આંગણવાડી બહેનોની સાથે જોડાઈને વિવિધ કામગીરી કરે છે. જેમાં બાળકના પહેલા 1000 દિવસનું મહત્વ, અતિ કુપોષિત બાળકોની ઓળખ, ટી.એચ.આર નો ઉપયોગ, સંપૂર્ણ આહારની સમજ અને આંગણવાડીની સેવાઓ પર ભાર આપવામાં આવે છે.
ગુજરાતના નર્મદા જિલ્લામાં તેમજ બનાસકાંઠાના થરાદ તાલુકામાં કરાયેલી કામગીરીથી આમૂલ પરિવર્તન આવ્યો છે. નર્મદાના ડેડીયાપાડા તાલુકામાં ફરજ બજાવતી સુપોષણ સંગીની સોનલબેન વસાવા જણાવે છે કે, ટીમના અથાગ પ્રયત્નોથી કુપોષણના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો લાવી શક્યા છીએ. દેડિયાપાડાના સગર્ભા સુમિત્રાબેન સાથેનું ઉદાહરણ વાગોળતા સોનલબેન જણાવે છે કે, “ગત વર્ષે સગર્ભાવસ્થાની શરૂઆતથી અમે સુમિત્રાબેનની કાળજી લેવાની શરૂ કરી હતી. ટીમના માર્ગદર્શન મુજબ આહાર અને ઔષધિનાં સેવનથી તેઓ 3 કિલોગ્રામ વજન ધરાવતી તંદુરસ્ત બાળકીને જન્મ આપી શક્યા.” સુમિત્રાબેન જેવી હજારો મહિલાઓને પ્રસૂતિપર્યંત અને બાદમાં નવજાતની તંદુરસ્તી વિશે સારસંભાળનું સંપૂર્ણ માર્ગદર્શન પુરુ પાડી અદાણી ફાઉન્ડેશનની ટીમે સમાજમાંથી માતા અને શિશુઓને કુપોષણનો શિકાર બનતા અટકાવ્યા છે.
નર્મદા જિલ્લાના આંકડાઓ ઉપર નજર કરીયે તો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS)– 4 પ્રમાણે 35.8% બાળકો અતિ કુપોષિત હતા. સુપોષણ પ્રોજેક્ટ ની શરૂઆત થયા પછી અને સરકારના સમર્થનથી, તાજેતરમાં NFHS–5 પ્રમાણે આ આંકડો ઘટીને 23% થઇ ગયો છે.
નર્મદાની જેમ બનાસકાંઠાના થરાદ તાલુકામાં પણ સુપોષણ સંગીનીઓએ કમાલ કરી બતાવ્યો છે. સંગીની પૂર્ણાબેન જોષી અને ટીમે બજાવેલી અદભૂત કામગીરીના પગલે સણધર ગામને ‘કુપોષણ મુક્ત’ ગામ જાહેર કરવામાં આવ્યું છે. સુપોષણ સંગીનીઓની કામગીરીને ગ્રામજનોએ ખોબલે ખોબલે વધાવી અને સરપંચોએ સન્માપત્રથી બિરદાવી હતી. નર્મદા જિલ્લામાં 2,62,088 અને થરાદ તાલુકામાં 31,276 લાભાર્થીઓને સુપોષણ પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
ભારત સરકારના પોષણ અભિયાનના અંતર્ગત અને સૂચના અનુસાર સપ્ટેમ્બર મહિનાને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં આ વર્ષે પણ રાજ્ય સરકારના સહયોગથી માતા અને શીશુ માટે અનેકવિધ આરોગ્યપ્રદ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. પોષણ માસ દરમ્યાન નર્મદા તેમજ થરાદમાં સુપોષણ સંગીનીઓએ પોષણ રેલી, પોષણ સંવાદ, પોષણ સલાહ, પોષણ મેલા અંતર્ગત 20,000 લાભાર્થીઓમાં જાગૃતિ લાવવાનું કાર્ય કર્યુ. તેઓ સગર્ભા, ધાત્રી અને નવજાત શીશુઓની સારસંભાળ, ખાન-પાન, અને કાઉન્સીલીંગની સેવાઓ પૂરી પાડે છે. પોષણ વાટીકા અંતર્ગત લાભાર્થીઓને મફત તંદુરસ્ત શાકભાજી મળી રહે તે માટે બીજ વિતરણ કરીને કિચન ગાર્ડન બનાવવા પણ પ્રેરિત કરવામાં આવ્યા.
અદાણી ફાઉન્ડેશનના એકિઝકયુટિવ ડાયરેકટર વસંત ગઢવી જણાવે છે કે “સ્વસ્થ અને તંદુરસ્ત ‘ સમાજનું નિર્માણ થાય એ રાષ્ટ્રના વિકાસ માટેની પાયાની જરૂરિયાત છે. દરેક માતા, બાળક અને કિશોરીઓ કુપોષણ અને એનિમિયા મુક્ત બને તેમજ છેવાડાના પછાતવર્ગના તમામ નાગરિક સંવેદનશીલ બને અને તેમનામાં જાગૃતિ આવે તે માટે અદાણી ફાઉન્ડેશનની ટીમ કટિબધ્ધ છે ‘પ્રોજેક્ટ સુપોષણ ‘આર્મી ‘ (સંગીની ટીમ) અલગ અલગ કાર્યપ્રવૃત્તિ દ્વારા વ્યવહાર પરિવર્તનમાં ફેરફાર લાવવા સતત પ્રયત્નશીલ છે. સંગીની બહેનો સરકાર અને સમુદાય વચ્ચે સાંકળ તથા પુલ બનીને સરકારી સેવાઓનો લાભ લોકો વધારેમાં વધારે લોકો સુધી પહોંચે તે માટે સઘન પ્રયત્ન કરી રહી છે. મને આશા છે કે સુપોષણની જ્યોત ગામે ગામ ચાલતી રહશે અને તંદુરસ્ત સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ થશે”. તેઓ કહે છે કે અદાણી ફાઉન્ડેશનના પ્રયાસો માં રાજ્ય સરકાર ના આઈ.સી.ડી.એસ ડીપાર્ટમેન્ટ અને તેના જિલ્લા ના તંત્ર નો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે.
શીશુના જન્મ બાદ પ્રારંભમાં વાલીઓને બાળકના કુપોષણનો ખ્યાલ પણ આવતો નથી, તેવામાં સુપોષણ સંગીનીઓ દ્વારા પ્રસૂતા અને શીશુઓની કરાતી દરકારના પરિણામે સમાજના અભિગમમાં આવેલું પરિવર્તન પ્રસંશનીય છે. શ્રીમતિ ક્રિશનબેન પટેલ, પ્રોગ્રામ ઓફિસર, આઈ.સી.ડી.એસ (નર્મદા) જણાવે છે કે, “કુપોષણ જેવી સમસ્યાને સરકાર, વિવિધ સંસ્થાઓ, અને સમુદાયના સંકલન થકી જ નાથી શકાશે, અને આવી સમસ્યાને નિવારવા લાઈફ સાઇકલ એપ્રોચ થી કામ કરવાની જરૂર છે. આવા ઉમદા કામગીરી માં જોડાયેલ જિલ્લાના 215 સુપોષણ સંગીની બહેનો અને અદાણી ફાઉન્ડેશનની ટીમને અભિનંદન પાઠવું છું.”
નાના-નાના પ્રયાસો થકી જ ટકાઉ પરિવર્તન લાવી શકાય છે. જેમાં સારવાર સાથે કુપોષણ અટકાવવા અને સમુદાય સ્તરે જ નિવારણ લાવવા ઉપર વિશેષ ભાર મુકવામાં આવે છે.