રાજસ્થાન(Rajasthan) સરકારના મંત્રી મહેશ જોશી(Mahesh Joshi)ના પુત્ર રોહિત જોશી(Rohit Joshi) વિરુદ્ધ દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો છે. પીડિતાની ફરિયાદ પર દિલ્હી પોલીસે સદર બજાર પોલીસ સ્ટેશનમાં આરોપી મંત્રી પુત્ર વિરુદ્ધ ઝીરો એફઆઈઆર નોંધી છે. માહિતી આપતાં દિલ્હી પોલીસે(Delhi Police) જણાવ્યું કે, યુવતીએ મંત્રીના પુત્ર પર લગભગ 3 મહિના પહેલા દિલ્હીની એક હોટલમાં લગ્નના બહાને દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. હાલ પોલીસે કેસને જયપુર ટ્રાન્સફર કરી દીધો છે.
પોલીસે મંત્રીના પુત્ર વિરુદ્ધ IPCની કલમ 376, 328,312,377,366,506,509 હેઠળ FIR નોંધી છે. જયપુર પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. યુવતીએ જણાવ્યું કે ગયા વર્ષે તેણે રોહિત સાથે ફેસબુક દ્વારા મિત્રતા કરી હતી અને ત્યારથી બંને સંપર્કમાં હતા. ફરિયાદ મુજબ, બંને જયપુરમાં પહેલીવાર મળ્યા હતા અને રોહિતે કથિત રીતે તેણીને 8 જાન્યુઆરી, 2021ના રોજ સવાઈ માધોપુર બોલાવી હતી.
FIR અનુસાર, યુવતીનો આરોપ છે કે, પહેલી મુલાકાત દરમિયાન રોહિતે તેના ડ્રિંકમાં કંઈક ભેળવ્યું અને તેનો ફાયદો ઉઠાવ્યો. એફઆઈઆર મુજબ, યુવતીનો આરોપ છે કે જ્યારે તે બીજા દિવસે સવારે જાગી તો આરોપીએ તેને તેની નગ્ન તસવીરો અને વીડિયો બતાવીને ધમકી આપી. યુવતીનો આરોપ છે કે, રોહિત એકવાર તેને દિલ્હીમાં પણ મળ્યો હતો અને તેને આવું કરવા દબાણ કર્યું હતું.
પીડિતાએ એફઆઈઆરમાં કહ્યું છે કે, “હું 3 અને 4 સપ્ટેમ્બર 2021ના રોજ ઈન્ટરવ્યુ માટે દિલ્હી આવી હતી, રોહિત પહેલાથી જ દિલ્હીમાં હતો. તેણે મારા માટે હોટેલ સ્માર્ટમાં રૂમ બુક કરાવ્યો અને એક બીજાને પતિ-પત્ની માન્યા. તેણે મને વચન આપ્યું હતું કે તે મારી સાથે લગ્ન કરશે. તે પછી તેણે અનેકવાર મારી સાથે દુષ્કર્મ કર્યું અને તેના વિડીયો પણ ઉતાર્યા. તેણે મને ધમકી આપી હતી કે જો હું આ વાત ફેલાવીશ તો તેના ગંભીર પરિણામો આવશે. તેણે મને કહ્યું કે તે તેની પત્નીથી છૂટાછેડા લઈ રહ્યો છે અને તે મારી સાથે લગ્ન કરશે. ઘણી વખત તેણે મને ખરાબ રીતે માર્યો અને મને ડાન્સ કરવા માટે મજબૂર કર્યો. તે એક મોટો આઘાત હતો.”