સુપ્રીમ કોર્ટે આર્થિક સ્થિતિના આધારે ઉચ્ચ શિક્ષણ અને રોજગારના મુદ્દાઓમાં આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે અનામતની બંધારણીય માન્યતાને લગતા આદેશને અનામત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ EWS ક્વોટામાં 10 ટકા અનામતની બંધારણીયતા પર સુનાવણી કરી રહી હતી. મહત્વનું છે કે, EWS ક્વોટા જાન્યુઆરી 2019માં 103મા બંધારણીય સુધારા હેઠળ લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. પાંચ જજોની બેંચ આ મામલે સુનાવણી કરી રહી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે એસસી, એસટી અને ઓબીસીમાં પણ ગરીબ લોકો છે તો પછી આ અનામત સામાન્ય વર્ગના લોકોને જ કેમ આપવામાં આવે છે ? આ 50 ટકા અનામતના નિયમનું ઉલ્લંઘન કરે છે. પહેલાથી જ OBC માટે 27 ટકા, SC માટે 15 ટકા અને ST માટે 7.5 ટકા ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે. આ કિસ્સામાં, 10 ટકાનો EWS ક્વોટા 50 ટકાના નિયમનું ઉલ્લંઘન કરે છે.
સુપ્રીમ કોર્ટમાં સરકારની દલીલ શું છે ?
આ મહત્વના મુદ્દા ઉપર છેલ્લી સુનાવણી દરમિયાન, સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે EWS ક્વોટા પર સામાન્ય વર્ગનો અધિકાર છે, કારણ કે SC-STના લોકોને પહેલાથી જ અનામતના ઘણા લાભો મળી રહ્યા છે. એટર્ની જનરલ કેકે વેણુગોપાલે ચીફ જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલાની બનેલી બંધારણીય બેંચ સમક્ષ કહ્યું કે પછાત જાતિ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો પહેલાથી જ આરક્ષણ માટે લાયક છે. ત્યારે સામાન્ય વર્ગના ગરીબ લોકોને આ કાયદા હેઠળ લાભ મળશે જે ક્રાંતિકારી સાબિત થશે.
ક્યાં નિયમ મુજબ 50 ટકા અનામતની મર્યાદાનું ઉલ્લંઘન નથી
વેણુગોપાલે કહ્યું હતું કે આ કાયદો કલમ 15 (6) અને 16 (6) અનુસાર છે. તે પછાત અને વંચિતોને પ્રવેશ અને નોકરીઓમાં અનામત આપે છે અને 50 ટકાની મર્યાદાને પાર કરતું નથી. તેમણે કહ્યું કે બંધારણમાં એસસી અને એસટી માટે અનામતનો અલગ-અલગ ઉલ્લેખ છે. આ મુજબ તેમને સંસદમાં, પંચાયતમાં અને સ્થાનિક સંસ્થાઓમાં અને પ્રમોશનમાં પણ અનામત આપવામાં આવે છે. જો તેમના પછાતપણાને ધ્યાનમાં રાખીને તેમને દરેક પ્રકારનો લાભ આપવામાં આવે છે, તો તેઓ EWS ક્વોટા મેળવવા માટે આ તમામ લાભો છોડવા તૈયાર થશે.