નેશનલહેલ્થ

દિલ્હીમાં વરસાદ બાદ ડેન્ગ્યુનો કહેર, દર્દીઓનો આંકડો ડરામણો

Text To Speech

દિલ્હીમાં વરસાદ બાદ ડેન્ગ્યુના દર્દીઓમાં ઝડપથી વધારો થયો છે. 4 દિવસમાં 129 નવા કેસ નોધાયા છે. નિષ્ણાતોના મતે આગામી બે અઠવાડિયામાં કેસમાં જોરદાર ઉછાળો આવી શકે છે. અગાઉ પણ નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે જો સપ્ટેમ્બરમાં વરસાદ પડશે તો ડેન્ગ્યુના કેસમાં વધારો થશે.

દિલ્હીમાં વરસાદ બાદ ડેન્ગ્યુનો કહેર

જો કે દિલ્હીની કેજરીવાલ સરકારે ડેન્ગ્યુના નિવારણ માટે એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર 21 સપ્ટેમ્બર સુધીમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા વધીને 525 થઈ ગઈ છે. જ્યારે ગત વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો આ સમયગાળા દરમિયાન ડેન્ગ્યુના 273 દર્દીઓ નોંધાયા હતા. મતલબ સ્પષ્ટ છે કે ગયા વર્ષની સરખામણીમાં આ વખતે દિલ્હીમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે.

લોકોને કરાશે જાગૃત 

બીજી તરફ દિલ્હી સરકારે પણ ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના ફેલાવાને રોકવા માટે પગલાં લીધાં છે. તેથી લોકોને જાગૃત કરવાની સાથે સરકાર દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાનું પાલન ઘરે ઘરે જઈને તપાસવામાં આવી રહ્યું છે. લોકોને જણાવવામાં આવી રહ્યું છે કે ડેન્ગ્યુને ફેલાતો અટકાવવા માટે કયા જરૂરી પગલાં લેવા જોઈએ. જે સ્થળોએ માર્ગદર્શિકાનું પાલન કરવામાં બેદરકારી જોવા મળે છે ત્યાં દંડની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર 21 સપ્ટેમ્બર સુધીમાં 281 કેસ નોંધાયા છે. જ્યારે 17 સપ્ટેમ્બર સુધીમાં ડેન્ગ્યુના 396 કેસ નોંધાયા હતા. એટલે કે 4 દિવસમાં 129 નવા કેસ નોંધાયા છે. 21 સપ્ટેમ્બર સુધીમાં નોંધાયેલા કુલ 525 કેસમાંથી 75 ઓગસ્ટમાં નોંધાયા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે 21 સપ્ટેમ્બર સુધી દિલ્હીમાં મેલેરિયાના કુલ 106 અને ચિકનગુનિયાના 20 કેસ નોંધાયા છે.

ડેન્ગ્યુંના ફેલાવાને રોકવા શરુ કર્યું અભિયાન 

MCDએ કહ્યું કે તેણે ડેન્ગ્યુના ફેલાવાને રોકવા માટે એક અભિયાન શરૂ કર્યું છે. બાંધકામની જગ્યાઓ પર પણ પાણીનો ભરાવો થાય છે અને ઘણી વખત કામદારો તેના પર ધ્યાન આપતા નથી, જેના કારણે ડેન્ગ્યુના મચ્છરોનો ઉપદ્રવ ચાલુ રહે છે અને ત્યાં રહેતા કામદારો ડેન્ગ્યુનો ભોગ બને છે. એજન્સીના જણાવ્યા અનુસાર MCDના જાહેર આરોગ્ય વિભાગે 135 નોટિસ અને 97 ચલણ જારી કર્યા હતા અને સાઇટના માલિકો અથવા કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ સિવાય 69 સાઈટ સાથે જોડાયેલા અધિકારીઓ સામે પણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

દિલ્હી સરકારે બનાવી એક યોજના

ડેન્ગ્યુના સતત વધી રહેલા કેસ વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તાજેતરમાં કહ્યું હતું કે મચ્છર જન્ય રોગનો સામનો કરવા માટે એક યોજના તૈયાર કરવામાં આવી છે. આગામી દિવસોમાં અનેક પગલાં લેવામાં આવશે. શાળાના વિદ્યાર્થીઓમાં ડેન્ગ્યુનો ફેલાવો ન થાય તે માટે વ્યાપક પ્રયાસો કરવામાં આવશે.

Back to top button