કેન્દ્રીય મંત્રી રાણેના બંગલાના ગેરકાયદે બાંધકામને તોડી પાડવાનો HC નો આદેશ યથાવત રાખતુ સુપ્રીમ
ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ નારાયણ રાણેને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે કેન્દ્રીય મંત્રીની અરજીને ફગાવી દીધી છે, જેમાં તેણે બોમ્બે હાઈકોર્ટના આદેશ પર સ્ટે માંગ્યો હતો. હકીકતમાં, હાઈકોર્ટે ગયા અઠવાડિયે જ BMCને રાણેના બંગલામાં ચાલી રહેલા અનધિકૃત બાંધકામને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આ સિવાય રાણે પર 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તેની સામે રાણેએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે રાણેની અરજી ફગાવી દેતા બોમ્બે હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો હતો. જોકે, કોર્ટે રાણેને બંગલાના અનધિકૃત બાંધકામને કાયદાના દાયરામાં લાવવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો રાણે ત્રણ મહિનામાં આમ કરી શકશે નહીં તો હાઈકોર્ટનો નિર્ણય અમલમાં આવશે.
રાણે BMCની નોટિસને રદ કરવા બોમ્બે હાઈકોર્ટમાં ગયા
બોમ્બે હાઈકોર્ટમાં કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની નોટિસને રદ કરવા માટે અરજી કરી હતી. રાણેએ અરજીમાં BMC દ્વારા 25 ફેબ્રુઆરી, 4 માર્ચ અને 16 માર્ચે આપવામાં આવેલી નોટિસને વિકૃત, ગેરકાયદેસર અને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ગણાવી હતી. રાણેના વકીલ અમોઘા સિંહે જસ્ટિસ એ સૈયદની બેન્ચ સમક્ષ અરજી પર વહેલી સુનાવણીની અપીલ કરી હતી. આ પછી બોમ્બે હાઈકોર્ટે ગેરકાયદે બાંધકામને તોડવા પર થોડા દિવસો માટે પ્રતિબંધ મૂક્યો હતો. જો કે હવે તેને બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે.
જાણો શું હતું અનધિકૃત બાંધકામ?
નારાયણ રાણેને મળેલી નોટિસમાં બંગલાના ગ્રાઉન્ડ ફ્લોર અને આઠમાંથી સાત માળમાં અનધિકૃત ફેરફારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. BMCના એક અધિકારીનું કહેવું છે કે પહેલા માળથી 8મા માળ સુધી (7મા માળ સિવાય) ગાર્ડનની જગ્યાએ રૂમ બનાવવામાં આવ્યા છે, જ્યારે નિયમો અનુસાર આઠ માળના બંગલાના તમામ માળ પર બગીચો હોવો જરૂરી છે.