રેલવે પોલીસ કર્મચારી ગ્રેડ-પે મુદ્દે ભૂખ હડતાળ પર ઉતરતાં કાર્યવાહી થઈ
રાજ્યમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકારી કર્મચારીઓ ગ્રેડ-પે ના મુદ્દા સાથે આંદોલન કરી રહ્યા હતા, જેને ક્યાંક ને ક્યાંક શાંત કરવામાં આવ્યા છે. પણ હાલમાં એક પોલીસ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ ઝાલા ખેડૂતો અને પોલીસ ગ્રેડ-પેના મુદ્દે સરકારની વિરુદ્ધ ભૂખ હડતાળ પર ઉતરી ગયા છે, જેના પર આખરે સરકારે કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ રેલવે પોલીસમાં ફરજ બજાવતાં પોલીસ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ ઝાલા ખેડૂતો અને પોલીસ ગ્રેડ-પેની વિવિધ માગણીઓ સાથે બેનર દર્શાવી ભૂખ હડતાળ પર ઉતરી વિરોધ કરી રહ્યા હતા. જેઓ રવિવારે સરદાર પટેલની પ્રતિમા પાસે ખેડૂતોને સિંચાઈમાં સમાન વીજદર, પોલીસને નવો પગાર ગ્રેડ આપવા તેમજ જુની પેન્શન યોજના અમલમાં મુકવા સહિતની માગણીઓ સાથે વિરોધ પર ઉતર્યા હતા.
આ પછી સરકારે પોલીસ ડ્રેસમાં હાજર રહી વિરોધ વ્યક્ત કરતાં પોલીસ અધિક્ષક પશ્ચિમ રેલવે અમદાવાદની કચેરી દ્વારા તેમને ફરજ મોકુફનો હુકમ કરી દેવાયો હતો. બીજી તરફ અનિરુદ્ધસિંહે ફરીથી ગ્રેડ-પે મામલે આંદોલનની શરૂઆત કરતા આ મામલો ફરી એકવાર ગરમાયો હતો.
આ પણ વાંચો : ગાંધીનગરમાં બીજ નિગમની કચેરી બહાર ફાયરિંગ, એકનું મોત
એક જ પોલીસના વિરોધ મુદ્દા પર રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. જેના મુદ્દા પર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પણ તેમની તસ્વીર શેર કરી હતી અને પોતાનું સમર્થન આપ્યું છે. જ્યારે બીજી તરફ પશ્ચિમ રેલવે પોલીસ અધિક્ષકે જરૂરી કાર્યવાહીના ભાગ રૂપે પગલાં ભરી કર્મચારીને ફરજ પરથી મોકુફ કરી દીધા છે.