

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયાએ ફરી એકવાર ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બનવા માટે સમર્થન આપ્યું છે. રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવે કહ્યું, “અમે આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકાના દેશોના પ્રતિનિધિત્વ દ્વારા સુરક્ષા પરિષદને વધુ લોકશાહીકરણ કરવાની સંભાવના જોઈ રહ્યા છીએ, ખાસ કરીને ભારત અને બ્રાઝિલનું સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યો તરીકે સ્થાન હોવું જોઈએ. અગાઉ, ભારતે 31 અન્ય દેશોની સાથે સુધારા પરના સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે સુરક્ષા પરિષદને સ્થાયી અને અસ્થાયી એમ બંને શ્રેણીમાં વિસ્તૃત કરવી જોઈએ. આ સાથે તેની કામ કરવાની પધ્ધતિઓને સુધારવાની પણ હિમાયત કરવામાં આવી હતી.

જો બાઈડને પણ ટેકો આપ્યો હતો
આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય બનાવવાનું સમર્થન કર્યું હતું. આ દરમિયાન તેમણે જાપાન અને જર્મનીને કાયમી સભ્ય બનાવવાની વાત પણ કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને સંબોધન દરમિયાન તેમણે સુરક્ષા પરિષદમાં સુધારાની જરૂરિયાતનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. બાઈડને સુરક્ષા પરિષદને વધુ સમાવિષ્ટ બનાવવા હાકલ કરી હતી જેથી કરીને તે આજની જરૂરિયાતોને વધુ સારી રીતે પૂરી કરી શકે.

ભારતને કાયમી સભ્ય બનાવોઃ બાઈડન
વીટો અંગે તેમણે કહ્યું કે તે માત્ર ખાસ અથવા આત્યંતિક સંજોગોમાં જ થવું જોઈએ, જેથી સુરક્ષા પરિષદની વિશ્વસનીયતા અને પ્રભાવ જળવાઈ રહે. બિડેન પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમે ભૂતકાળમાં પણ માનતા હતા અને હજુ પણ માનીએ છીએ કે ભારત, જાપાન અને જર્મનીને સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બનાવવામાં આવે.

વિદેશ મંત્રીએ દાવો કર્યો
વિદેશ મંત્રી એસ જયશંકરે તેમના સંબોધન દરમિયાન UNSCમાં સુધારાની હિમાયત કરી છે. જયશંકરે કહ્યું કે ભારત વધુ જવાબદારીઓ નિભાવવા તૈયાર છે. વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું કે આવા મહત્વના મુદ્દા પર ગંભીરતાથી ચર્ચા થવી જોઈએ. આમાં કોઈ દેશને અવરોધ ન કરવો જોઈએ.