હવે સુરત જાઓ ત્યારે આ આ વાનગીઓ ખાવાનું ન ભૂલતા…
સુરતનું જમણ અને કાશીનું મરણ’ આ કહેવત તો તમે જાણતા જ હશો. સુરત લાલાઓ ચટાકા અને સ્વાદના શોખીન હોય છે. તમે સુરત જાઓ અને ત્યાં પેટભરીને ખાઈને ન આવો તો સુરત જવાનો કોઈ અર્થ નથી! સુરતના ઘણા ખાણીપીણીના રાત્રીબજારો છે જ્યાં તમે જીંદગીમાં ન માણ્યો હોય એવી વાનગીઓનો સ્વાદ માણી શકો છો અને જીભના ચટાકા સંતોષી શકો છો. હવે સુરત જવાનું થાય તો લોચા સિવાય આ વસ્તુઓ પણ ખાતા આવજો.
ઘારી
સુરતી લાલાઓને મસાલેદાર ખાવાનું જેટલું પસંદ છે, મીઠાઈ પણ તેટલી જ ભાવે છે. સુરતી ઘારી તો વિશ્વભરમાં જાણીતી છે. સુરત જાઓને ઘારી ખાધા વિના આવો તો કેમ ચાલે? વિવિધ ફ્લેવરની ઘારી સુરતની આગવી ઓળખ બની છે તેમાંય કેસર, પિસ્તા, ચોકલેટ વગેરે ફલેવર્સ તો એક્સપોર્ટ પણ કરવામાં આવે છે.
કોલેજિયન ચાટ
સુરતમાં શિંગદાણામાંથી બનતી ચાટ ફેમસ છે. આ ચાટનું નામ કોલેજિયન પડ્યું કારણકે આ ચાટ કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે ખૂબ લોકપ્રિય છે. કહેવાય છે કે આ વાનગીની શોધ સુરતમાં થઈ હતી!
લોચો
સુરતનું નામ કાને પડે એટલે સુરતી લોચો યાદ આવે આવે ને આવે જ. ખમણ બનાવતી વખતે લોચો પડ્યો અને લોચાની શોધ થઈ. સ્વાદમાં સ્વાદિષ્ટ લોચો સુરતીઓમાં ખૂબ પ્રખ્યાત છે. તેમાં પણ હવે ચીઝ, તંદુરી વગેરે ફ્લેવર લોકોને દાઢે વળગી છે.
પોંક વડા
રસ્તા પરથી પસાર થતી વખતે રોડ સાઈડ પર લીલી ચટણી અને તળેલા મરચાંની સાથે મગની દાળ અને જુવારના વડા ખાવા મળે તો કેવી મજ્જા પડે. સુરત તો આવા વડા બનાવવામાં હોંશિયાર છે. પોંકમાંથી બનાવાતા વડા અહીંની જાણીતી વાનગી છે.
આલુ પુરી
સુરતનું જાણીતું સ્ટ્રીટ ફૂડ છે. જે ભાગ્યે જ તમને બીજે ક્યાંક ખાવા મળશે. મેંદાની પુરી પર બટાટાના મસાલા સાથે સેવ અને ચટણી સાથે આ પ્લેટ પીરસવામાં આવે છે.
સેેવ ખમણી
ખમણ તો ખાતા જ હશો પણ સુરતમાં જઈને સેવ ખમણી ખાજો. ચણાની દાળમાંથી બનતી સ્પેશિયલ રેસિપી. સુરત જેવી ખમણી ખાવાની મજા બીજે ક્યાંય નહીં આવે. હીરાબાગ વિસ્તારમાં એક જાણીતી દુકાન છે માઘીની ખમણી અહીં ચોક્કસ જજો. જલસો પડી જશે.
સુરતી ઊંધિયું
તમારા શહેર કેે વિસ્તારમાં મળતું ઊંધિયું સુરતના ઊંધિયા આગળ ફીક્કું પડે. સુરત જાઓ તો ઊંધિયું ખાઈને આવજો. અહીં ખાસ લીલા રંગનું ઉંધીયું બનાવવામાં આવે છે. જેના રંગ પ્રમાણે જ તેમાં ભરપૂર લીલોતરી શાકભાજીનો ઉપયોગ થાય છે. તેમાંય મકરસંક્રાંતિના પર્વે તો સુરતીઓ કરોડોનું ઉંધીયું ઝાંપટી જાય છે.
આઈસ પાન
સુરતીઓએ પાનને એક નવું રૂપ આપ્યું છે. અહીં એવું પાન મળે છે જેના વિષે તમે કદાચ જ સાંભળ્યું હશે. અહીં આઈસ પાન મળે છે. ચાઈના ટાઉનની સામે શ્રી સાંઈ કૃષ્ણા બનારસી પાન શોપમાં તમને આ અનોખું પાન ખાવા મળશે. પાન ખાતા જ તમને મોઢામાં બરફનો ટુકડો મુક્યો હોય તેવી ઠંડક શરૂઆતમાં લાગશે અને પછી તમે ધીરે ધીરે તે પાનને ચાવીને તેનો આસ્વાદ માણી શકશો.