ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : અંબાજી આવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રજૂઆત કરવા 5000 ગૌસેવકો પહોંચશે

Text To Speech

પાલનપુર : આગામી તારીખ 30 સપ્ટેમ્બરના રોજ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાને શીશ ઝુકાવવા આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ચાલી રહેલા ગૌ આંદોલનના ગૌ સેવકો 5000 જેટલી સંખ્યામાં પ્રધાનમંત્રી ને સહાયના મુદ્દે રજૂઆત કરવા જશે, તેમ કિશોર શાસ્ત્રીએ જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં 170 થી વધુ ગૌશાળા અને પાંજરાપોળો આવેલી છે. જેમાં 70 થી 80 હજાર જેટલા પશુઓનો નિભાવ થઈ રહ્યો છે.

ત્યારે છ માસ અગાઉ રાજ્ય સરકારે ગૌ પોષણ યોજના અંતર્ગત રૂપિયા 500 કરોડની સહાયની જાહેરાત કરી હતી. જે આ પાંજરાપોળો અને ગૌશાળાઓને ન ચુકવાતા શુક્રવારે સવારે અંદાજે 10,000 જેટલા પશુઓને સરકારી કચેરીઓમાં છોડી મૂકવામાં આવ્યા હતા. જ્યારે થરાદ પંથકમાં તંત્રને ગૌશાળા અને પાંજરાપોળોની ચાવીઓ પણ સુપ્રત કરી દેવામાં આવી હતી.

હવે આગામી 30 સપ્ટેમ્બર ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંબાજીની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે ગૌ સેવક અને શાસ્ત્રી કિશોરભાઈએ જાહેર કર્યું છે કે, પ્રધાનમંત્રીને મળવા બનાસકાંઠા જિલ્લાના પાંચ હજાર જેટલા ગૌ સેવકો અંબાજી ખાતે જશે, અને તેમની સમક્ષ ગાયો માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા રૂપિયા 500 કરોડ આપવા અંગેની રજૂઆત કરશે.

ગૌ આંદોલનને કિસાન સંઘનું સમર્થન

ડીસાના સાઈબાબા મંદિર આગળ શનિવારે સવારે ટેન્ટ લગાવીને સાધુ- સંતો અને ગૌ સેવકોએ ધરણાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. જેને કિસાન સંઘ દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. એક તરફ ગાંધીનગરમાં પણ કિસાન સંઘનું આંદોલન પણ ચાલી રહ્યું છે. જ્યારે હવે ગૌ આંદોલનને પણ કિસાન સંઘ દ્વારા સમર્થન મળ્યું છે. જો આગામી દિવસોમાં આ આંદોલનનો કોઈ હકારાત્મક ઉકેલ નહીં આવે તો આંદોલન લાંબો સમય ચાલવાની પણ સંભાવના વ્યક્ત થઇ રહી છે.

આ પણ વાંચો : પાલનપુર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરે અંબાજીની મુલાકાતે

Back to top button